Chhota Udepur
પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે ચાલુ વર્ષની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
પ્રભારી મંત્રીના જીલ્લા પ્રવાસ કાર્યક્રમમાં તમામ સરકારી કચેરીઓના અધિકારીઓએ કાર્યો અને યોજનાઓનું પ્રેઝેન્ટેશન રજુ કર્યું.
છોટાઉદેપુર તા.૧૯
આજરોજ કલેકટર કચેરીના સંકલન હોલ ખાતે છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત તમામ ખાતાના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત તેમજ વિવિધ ૧૫ વિભાગો દ્વારા તમામ યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોનું પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી ઉપરાંત, જીલ્લા કલેકટર, ડીડીઓ, એસપી, અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારીઓ ઉપરાંત તમામ ખાતાના જીલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી પોતાનો પરિચય આપ્યો હતો.
નવી સરકારની રચના પછી પ્રભારી મંત્રીનો આ જીલ્લામાં પ્રથમ કાર્યક્રમ હોઈ તમામ કચેરીના અધિકારીઓ દ્વારા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝેન્ટેશનમાં આરોગ્ય ખાતું, પાણી પુરવઠા અને વાસ્મો, સમાજ સુરક્ષા કચેરી, અનુસુચિત જાતિ, સમાજ કલ્યાણ ખાતું, મહિલા અને બાળ વિકાસ, ડી.આર.ડી.એ, માર્ગ અને મકાન, ખાણ અને ખનીજ કચેરી, જીલ્લા આયોજન કચેરી, પ્રાયોજના વિભાગ-વનબંધુ કલ્યાણ યોજના તેમજ અન્ય અધિકારીઓએ જીલ્લાના કાર્યોની પ્રગતિ અને લક્ષ્યાંકોની રૂપરેખા વર્ણવી હતી.
પાણી પુરવઠા શાખાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુંકે નર્મદા નદીના નીર આવનારા સમયમાં જીલ્લાના તમામ ૮૮૨ ગામો સુધી પહોચાડવાનું લક્ષ્યાંક છે. પુરવઠા શાખા દ્વારા NFSA હેઠળ ૭૫ ટકા લક્ષ્યાંકો પૂર્ણ કરી દીધેલ છે તેની જાણકારી આપવામાં આવી હતી. આયોજન અધિકારીએ જણાવ્યું હતુ કે જીલ્લાની ૧૦ પ્રકારની ગ્રાન્ટ ફાળવણીમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક હાસિલ કરવામાં આવ્યો છે. જે અંગે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકમાં આપણો જીલ્લો છે. આ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લો જીઓ ટેગિંગની બાબતમાં સમગ્ર રાજ્યમાં પાંચમો રેન્ક ધરાવે છે.
ખાણ અને ખનીજ વિભાગની કચેરી પણ સમગ્ર રાજ્યમાં ગૌણ ખનીજની બ્લોક ફાળવણીમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. આ તમામના પ્રેઝન્ટેશન પ્રભારી મંત્રીએ વિસ્તાર પૂર્વક નિહાળ્યા હતા તેમજ પ્રશ્નોતરી કરી અને સલાહ સુચન પણ કર્યા હતા. આ તમામ આંકડાકીય માહિતી અને છણાવટપૂર્વકની વિગતોથી પ્રભારી મંત્રી મંત્રમુગ્ધ થયા હતા અને તેમનો સંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓના સુમેળ અને સંકલનથી વિકાસના કામો અવિરત થતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમજ સૌનો આભાર વ્યક્ત કરી રવાના થયેલ હતા.