National
દિવ્યાંગજનો માટે ખાસ સક્ષમ એપ દિવ્યાંગજનો ચૂંટણી પંચ સાથે જરૂરી વિગતોની આપ લે કરી શકે છે
કોઈ પણ મતદાર બાકાત ન રહી જાય તે માટે ચૂંટણીતંત્ર કાર્યરત
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪માં દેશનો કોઈ પણ નાગરિક નાની પણ અસુવિધાના કારણે મતદાનથી બાકાત ન રહી જાય તે માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો માટે તૈયાર કરવામાં આવેલ ખાસ સક્ષમ એપ. આ એપ દિવ્યાંગજનોને કસ્ટમાઇઝ્ડ સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. દિવ્યાંગજન (પીડબ્લ્યુડી) પોતાની આવશ્યક વિગતો ચૂંટણી પંચ સાથે ખાસ ડિઝાઇન કરેલી આ એપ્લિકેશન દ્વારા આપ લે કરી શકે છે.
દિવ્યાંગ મતદારોમાં કોની ગણતરી કરવામાં આવે છે?
જો કોઈ વ્યક્તિની ઉંમર, અસ્થાયી બિમારી, ગર્ભાવસ્થા કે અન્ય રોગના કારણે ગતિશીલતા અથવા શારીરિક સંકલન ઘટી ગયું હોય અને તેઓને નોંધણી કરાવવા અને મતદાન કરવા માટે ખાસ સુવિધા આપવાની જરૂર જણાતી હોય તેવા મતદારોને વોટર્સ વીથ રીડ્યુસ્ડ મોબીલીટી એન્ડ ફિઝીકલ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે.
સક્ષમ એપ
સક્ષમ એપ એન્ડ્રોઈડ તથા આઈઓએસ ફોન પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા કોઈપણ ચૂંટણી સેવાઓ માટે, પ્રથમ વખતના મતદારોએ તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે જાહેર કરવાનો રહે છે. જ્યારે નોંધાયેલા મતદારોએ તેમના મતદાર આઈડી કાર્ડ પર દર્શાવેલ EPIC નંબર એન્ટર કરવાનો રહે છે. આમ કર્યા બાદ ચૂંટણીલક્ષી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બૂથ-લેવલ ઓફિસર તેમના ઘરે મુલાકાત લેશે. સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ તેમનું મતદાર આઈડી કાર્ડ તેમના સરનામાં પર થોડા જ સમયમાં મોકલવામાં આવે છે. એટલું જ નહીં આ એપ દ્વારા દિવ્યાંગ મતદાતા મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી પણ કરી શકે છે.
સક્ષમ એપ દ્વારા દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઃ
વોઈસ આસિસટન્સ:
પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ અવાજ સહાય પૂરી પાડે છે.
ટેક્સ્ટ-ટુ-સ્પીચ:
બધિર દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે.
ઍક્સેસિબિલિટી ફિચર:
દિવ્યાંગ મતદારોની સરળતા માટે એપ્લિકેશનમાં સંખ્યાબંધ ઍક્સેસિબિલિટી સુવિધાઓ છે, જેમ કે મોટા ફોન્ટ્સ અને હાઈ-કોન્ટ્રાસ્ટ રંગો.
મતદાન મથકો અંગેની માહિતીઃ
સક્ષમ એપ મતદાન મથકોની માહિતી પણ પૂરી પાડે છે, જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતોનો સમાવેશ થાય છે.
ફરિયાદ:
સક્ષમ એપ ચૂંટણી દરમિયાન દિવ્યાંગ મતદારોને આવતી કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવવાની પણ સુવિધા આપે છે.
આમ સક્ષમ એપ પર નોંધણી, નવા મતદાર નોંધણી, પીડબ્લ્યુડી તરીકે માર્કિંગ કરવાની રિક્વેસ્ટ, સ્થળાંતર માટેની વિનંતી, સુધારો કરવા વિનંતી, નામ કાઢવા અંગે વિનંતી,ચૂંટણીલક્ષી (આધાર) પ્રમાણીકરણ માટે વિનંતી, સ્ટેટસ ટ્રેકિંગ, મતદાન મથક પર પીડબ્લ્યુડી માટેની સુવિધાઓ, પિક એન્ડ ડ્રોપ માટેની વિનંતી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં ૨૪૯૨૪ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. આ દિવ્યાંગ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર રેમ્પ અને વ્હીલચેરની સુવિધા, પીડબ્લ્યુડી મતદારોને મદદ કરવા માટે મતદાન સ્વયંસેવકો, દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન, પર્યાપ્ત પાર્કિંગ જગ્યાની તથા દિવ્યાંગ મતદારો માટે મફત પિક એન્ડ ડ્રોપની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને વૈકલ્પિક પોસ્ટલ બેલેટની સુવિધા પણ આપવામાં આવશે.