Editorial
પ્રકૃતિ જંગલ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ સોનગરાની પ્રાકૃતિક કૃષિ તરફ સફળ યાત્રા
પ્રકૃતિ જંગલ ફાર્મ, પર્યાવરણ અને પ્રાકૃતિક કૃષિમાં આગવું સ્થાન ધરાવતી એક નિષ્ઠાવાન પ્રવૃત્તિ છે, જેમાં ખેડૂત દિનેશભાઈ સોનગરા છેલ્લા દશ વર્ષથી સાયલામાં પ્રાકૃતિક ખેતીમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી રહ્યા છે. દિનેશભાઈએ વિવિધ ૨૫ જાતના શાકભાજીના પાક લઈને આર્થિક તેમજ સામાજિક સુખાકારી હાંસલ કરી છે, જે આજે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક બની છે.
દિનેશભાઈ જણાવે છે કે પ્રારંભિક દિવસોમાં તેઓ પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ ઉપયોગ કરતા હતા, જેનાથી ધરતી અને સ્વાસ્થ્ય બંને પર નકારાત્મક અસર થઈ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયના ડો. રાજુ એમ. ઠક્કર અને પર્યાવરણ સંશોધક ડો. ગાર્ગી ઠક્કરની મુલાકાત દરમ્યાન વિગતે પ્રાકૃતિક કૃષિની સફળતા વિશે વાત કરી. તેમણે કહ્યું કે રાસાયણિક ખેતી ધીમે ધીમે લોકોને અને પર્યાવરણને કેન્સર જેવા જીવલેણ રોગો તરફ ધકેલી રહી છે.
દિનેશભાઈ કહે છે:
“હું પ્રાકૃતિક કૃષિ દ્વારા કેન્સર જેવા મહા અનર્થમાંથી બચી શક્યો અને આજે અન્ય લોકોને પણ બચાવી શકું છું, તે જીવનનું સૌથી મોટો સંતોષ છે.”
પ્રાકૃતિક કૃષિનો મહત્ત્વ અને ફાયદા વિશે સરસ માહિતી આપતા જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ખર્ચમાં ઘટાડો થવાથી ખેડૂતોને શાંતિપૂર્ણ અને ફાયદાકારક ખેતીની તક મળે છે અને આર્થિક લાભ પણ થઈ રહ્યો છે.
પ્રાકૃતિક પદ્ધતિઓ જમીનને ફરીથી જીવન આપતી હોવાથી લાંબા ગાળે આ ઉત્પાદનક્ષમ બને છે અને જમીનની ફળદ્રુપતા વધી રહી છે. પ્રાકૃતિક પદ્ધતિઓથી વાવેતર કરવાથી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને રક્ષાય છે. એકથી વધુ પાક ઉગાડવાના પગલે જમીન ઉપર જીવનતંત્ર સમતોલ રહે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
દિનેશભાઈની આ સફળ યાત્રા આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત છે. ડો. રાજુ એમ. ઠક્કર અને ડો. ગાર્ગી ઠક્કરે જણાવ્યું છે કે આજે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે, કારણ કે તે માત્ર ખેતીનો વિકાસ જ નહીં પરંતુ આ પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે નિષ્ઠાવાન બચાવકારક છે.
પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને સ્વસ્થ સૃજનશીલ જીવન જીવો.