Chhota Udepur
છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે ધારાસભ્યની હાજરીમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ સંલગ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટા ઉદેપુર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે જિલ્લાકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ નું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ યોગને જીવનશૈલીનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની પરંપરાગત યોગવિદ્યાને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરી છે, ત્યારે એની યુવા અને ભાવિ પેઢી પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા.
ધારાસભ્યaએ વધુમાં ઉમેર્યું કે, યોગવિદ્યાને શૈક્ષણિક સાથે જોડવામાં આવ્યું છે, ત્યારે તંદુરસ્ત અને સ્ફૂર્તિવાન રાખવા માટે દૈનિક ધોરણે યોગ કરવા જણાવ્યું હતું. જિલ્લાના યોગ સ્પર્ધકો વધુમાં વધુ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈને જિલ્લાને યોગક્ષેત્રે નામના અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કરશનભાઈ રાઠવા દ્વારા યોગનિર્દેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડીનેટર, શાળાના વિદ્યાર્થીઓ તથા ટ્રેનરો, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.