Chhota Udepur
આદિવાસીના અસ્તિત્વ ઉપર જોખમ? ગણાતો યૂનિફૉર્મ સિવિલ કૉડનો સખ્ત વિરોધ
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને આપના દેશમાં તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે. ભારતના કાયદા પંચ દ્વારા તા.૧૪ જૂન ૨૦૨૩ ના રોજ નાગરિક સંહિતાના સબંધમાં પબ્લિક નોટિસ જાહેર કરી હતી. અભિપ્રાય જણાવવામાં આવ્યા ત્યારે આ યુનિફોર્મ સિવિલ કોડ (યુ.સી.સી.) કોડ લાગુ પાડવામાં આવે તો આ આદિવાસી સમાજ જન્મથી માંડીને મૃત્યુ સુધી ભારત દેશની અન્ય જાતિ અને સમુદાયથી અલગ પડે છે.
સમાન નાગરિક સંહિતાથી આદિવાસીના રૂઢિગત કાયદાઓ રદ થઈ જશે. આદિવાસીઓને પાસે કાયદા હેઠળ ઘણા આધિકારો મળ્યા છે, તે સમાપ્ત થઈ જશે. જમીન માફિયા દ્વારા આદિવાસી ની જમીન છીનવાય જવાનો ખતરો છે. ભારત દેશમાં વિવિધતામાં એકતા એ આપણી પ્રમુખ વિશેષતાઓમાં એક છે.
કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી કાયદા સમાન નાગરિક સંહિતાનો દેશમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, હવે આની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. યૂનિફૉર્મ સિવિલ કૉડના વિરોધમાં છોટાઉદેપુરના વિવિધ આદિવાસી સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્રો પાઠવ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવા પણ જોડાયા હતા.
સરકારે દેશમાં સમાન નાગરિકતા કાયદા લાવવાની તજવીજ હાથ ધરી છે આવામાં આદિવાસી સમાજ દ્વારા કેટલીક જગ્યાએ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, આજે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંગઠનો, ગ્રામ પંચાયતના સરપંચો સહિત સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાઈને જિલ્લા કલેકટર કચેરીએ UCC કાયદાના વિરુદ્ધમાં સૂત્રોચાર કર્યા હતા. આદિવાસી સંગઠનો મુજબ યુસીસીના કાયદાથી આદિવાસીઓના હક્કોને નુકસાન પહોંચશે. યુસીસી કાયદો લાગુ ના કરવા સખત શબ્દોમાં રજૂઆતો કરી અને જો કાયદો લાગુ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી હતી. મહત્વની વાત એ છે કે યુસીસીની તરફેણમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટેકો જાહેર કર્યો છે તો બીજીબાજુ ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ UCC કાયદાના વિરોધમાં જોડાઈને પક્ષ કરતાં સમાજ અગ્રેસર હોવાની વાત કરી છે. વધુમાં પ્રદર્શનકારીઓએ સ્થાનિક આદિવાસી ધારાસભ્યો અને સાંસદોને પણ કાયદાનો વિરોધ કરવા આહવાન કરતા જો નહી જોડાય તો તેમના સામે પણ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેના વિશે ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૂત્રોને ટાંકીને માહિતી સામે આવી છે કે મોદી સરકાર ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતાનો પ્રસ્તાવ લાવી શકે છે. જુલાઈમાં ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે અને આ અંગેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર વતી સમાન નાગરિક સંહિતાના બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે. જે આ અંગે તમામ હિતધારકો પાસેથી તેમના મંતવ્યો માંગશે. ચોમાસા સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની રજૂઆત સંસદમાં રાજકીય હોબાળો મચાવશે. જ્યારથી પીએમ મોદીએ UCCનો ઉલ્લેખ કર્યો છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે.
* યુનિફોર્મ સિવિલ કોડ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે
* આદિવાસી સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ