Gujarat
પંચમહોત્સવ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ ૧૦૦ સ્ટોલ ઉભા કરાશે
ટ્રાફિક ડાઈવર્ઝન,પાર્કિંગ,સ્વચ્છતા,સુરક્ષા માટે વ્યવસ્થા ઉભી કરાશે
જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા ઊભી કરાશે
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે તારીખ ૨૫ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તાલુકો હાલોલ ખાતે કરાશે.
આજ રોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી,હાલોલ ખાતે પંચમહોત્સવના સુચારુ આયોજનને લઈને એક બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને ટ્રાફિક ડાઈવર્ઝન,પાર્કિંગ,સ્વચ્છતા,સુરક્ષા,વેબસાઈટ,લાઈવ સ્ટ્રીમિંગ,પાણીની વ્યવસ્થા,બસની વ્યવસ્થા,મોબાઈલ ટોઇલેટ,આરોગ્ય,વિવિધ સ્પર્ધાઓ સહિતના મુદ્દાઓ અંગે જરૂરી સૂચનો કરીને સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું.
પંચમહોત્સવ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ ૧૦૦ સ્ટોલ ઉભા કરાશે, જેથી કરીને લોકો લોકલ ચીજ વસ્તુઓને ખરીદી શકે તથા લોકલ વાનગીઓને પણ પ્રોત્સાહન મળી રહે.આ સાથે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં વાન થકી સંદેશો પહોંચાડવામાં આવશે.વિકસિત ભારત યાત્રા અંતર્ગત પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
બેઠકમાં પ્રાંત અધિકારી હાલોલ અને ગોધરા સહિત વિવિધ વિભાગોના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.