Panchmahal
બાગાયતી ખેતી સાથે સંકળાયેલ ૧૫૦ ખેડૂતો માટે પ્રવાસનું આયોજન કરાયું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના નાયબ બાગાયત નિયામક નિલેષ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના બાગાયત વિકાસ માટે બાગાયતી ખેતી કરતા તથા બાગાયતી ખેતી કરવામાં રસ ધરાવતા ખેડૂતોને રાજ્ય બહારની જુદી જુદી સંસ્થાઓની મુલાકાત માટે મોકલવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ૧૫૦ ખેડૂતો કુરુક્ષેત્ર સ્થિત સંસ્થા સહિતના સ્થળોની મુલાકાત લઈને તાલીમ મેળવશે. સદર મુલાકાતથી ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થાય તથા તેઓની જમીન સુધરે અને ખેતી ખર્ચ ઘટે તે મુખ્ય ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવેલું છે.
આ ઉપરાંત પણ પંચમહાલ જિલ્લાના ખેડૂતો જુદા જુદા રાજ્યો અને યુનિવર્સિટી કેન્દ્રો ખાતે પણ મુલાકાત લેનાર છે તથા ત્યાંની નવીન ટેકનોલોજી શીખી અને જિલ્લામાં ખેતી કરતા થાય તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ બાગાયત અધિકારી ગોધરા પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
* ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ખેતીમાં નવીન ટેકનોલોજીની માહિતી મેળવશે