Gujarat
ગાય આધારિત ખેતી અને ગાયના છાણમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવતા નિરાળા ખેડૂતોની ત્રિપુટી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પૃથ્વી પર સૌથી નિરુપદ્રવી પ્રાણી કોઈ હોય તો તે ગાય છે. આપણા ગુજરાતની અને સૌરાષ્ટ્રની ગીર ગાયો તો આખા જગત માં વખણાય છે. ભાવનગરના રાજાએ એ જમાનામાં બ્રાઝીલમાં ગાય ભેટ આપેલી અને તેની પ્રજાતિઓ હજુ પણ બ્રાજીલમાં અસ્તિત્વ ધરાવે છે. આ કિસ્સો જગજાહેર છે. આપણા ગુજરાતમાં તો ખેડૂતોના ઘરોમાં ગાયોને એક ઘરના સભ્ય તરીકે જ ગણવામાં આવે છે. નસવાડી તાલુકાના રનેડા ગામના રહેવાસી એવા રાકેશભાઈ રાઠવા પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી સાથે ગાય ઉછેર અને ગૌમૂત્ર તેમજ તેના છાણમાંથી જાત જાતની વસ્તુઓ બનાવી અને કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ અંતર્ગત મેળાવડા અને એક્ઝીબીશનમાં ઠેર ઠેર આ પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેમની સાથે અન્ય ૩ ખેડૂતો પણ ગૌ-યજ્ઞમાં જોડાયેલ છે.
રાકેશભાઈને આ પ્રેરણા ગૌસેવા ગતિવિધિ- વડોદરા દ્વારા મળી. તેઓ પંચગવ્યમાંથી જાત જાતની વસ્તુઓ જેવી કે કોડિયા, દીવડા, ગોનાઈલ, પંચામૃત, હવન કંડા, મોબાઈલ એન્ટી-રેડીએશન સ્ટેન્ડ, તોરણ, સાબુ વગેરે ચીજ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે. તેઓ કહે છે કે તેમની આ સંસ્થામાં ફક્ત ગાયમાતા નહિ પરંતુ બળદ, નંદી, વાછરડા સહીત તમામ ગૌવંશની ચિંતા કરવામાં આવે છે. આ ગૌસેવા સમિતિની દરેક બેઠક ઋગ્વેદમાં આપેલા ગાયના શ્લોક બોલીને કરે છે. ચાર વેદોમાં ગાયનો ૧૩૩૧ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાકેશભાઈ કહે છે કે પંચગવ્યમાં એટલી તાકાત છે કે તેનાથી ભારત રોગમુક્ત, કર્જમુક્ત થશે અને સ્વાવલંબી ભારતનું નિર્માણ થશે. ગાયના ઘીમાંથી પ્રગ્ટાવેલા દીવાથી વાતાવરણ બેક્ટેરિયા મુક્ત થાય છે. રાકેશભાઈ પોતે એમ્બોસિંગ મશીન દ્વારા આ બધી વસ્તુઓ રોજ ગાયના છાણના ઉપયોગથી બનાવે છે.
આ માટે તેમણે નાગપુરમાં ટ્રેનિંગ લીધી છે. તેઓ ગાયના છાણમાંથી ગણપતિની મૂર્તિ બનાવી છે જે ગણપતિ ઉત્સવમાં ખુબ પ્રચાર પામી છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે અને તેનું નદીમાં કે તુલસી ક્યારામાં વિસર્જન કરવાથી કુદરતી ખાતર બની જાય છે. આજના યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય માટે બધું જ કરવા માંગે છે તેમ છતાં ઝેરી દવા વાળું ખાતર યુક્ત શાકભાજીથી બચી શકતા નથી. ઝેરી રાસાયણિક ખાતરની અસર કોબીજ, ફ્લાવર અને રીંગણમાં ખુબ વધારે પ્રમાણમાં થાય છે અને આપણે તેને લીલા શાકભાજી સમજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સમજી હોશે હોશે ખાઈએ છીએ. સરકારના આત્મા પ્રોજેક્ટમાં જોડાઈને તેઓ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરી માસ્ટર ટ્રેનર તરીકે પણ સેવા આપે છે. જેમાં તેઓ ગૌમૂત્ર આધારિત દશપર્ણી અર્ક અને નીમાસ્ત્ર ખાતર બનાવી ખેડૂતોમાં જાગૃતિ લાવે છે.