Gujarat

વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આજથી બે દિવસીય કલા ઉત્સવનો થયો પ્રારંભ

Published

on

સંસ્કારનગરી વડોદરા હંમેશાથી તેના સંસ્કારોને કારણે તેના સાંસ્કૃતિક વારસાને કારણે ઓળખવામાં આવે છે. ત્યારે કલા અને સાહિત્ય ક્ષેત્રે અહીં અપાર ખજાનો જોવા મળે છે. અહીંનો રાજવી પરિવાર પણ કલા અને સાહિત્યની જાળવણી કરતો આવ્યો છે. એના જ ભાગરૂપે આજથી વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસમાં બે દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. આજથી લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડ બે દિવસીય કલા ઉત્સવ યોજાશે.

જે અંતર્ગત વિઝ્યુઅલ આર્ટ્સમાં ઉત્કૃષ્ટતા માટેનો રાજા રવિ વર્મા એવોર્ડ ફોર એક્સિલન્સ જ્યોતીન્દ્ર ભટ્ટને અને સંગીત ક્ષેત્રના પ્રદાન માટે ઉસ્તાદ ફૈયાઝખાન એવોર્ડ પૂણેના મંજૂષા પાટીલને એનાયત કરવામાં આવશે. આ બંને દિવસો દરમિયાન 4થી જાન્યુઆરીએ સાંજે દરબાર હોલ ખાતે કબીર ભક્તિ ગીતોના ગાયિકા શબનમ વિરમાની, મંજૂષા પાટીલ હાર્મોનિયમ પ્લેયર સુયોગ કુંડાલકરની પ્રસ્તુતિ થશે.

Advertisement

આજથી લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ ખાતે મહારાજા રણજિતસિંહ ગાયકવાડ કલા ઉત્સવ યોજાઇ રહ્યો છે. આ કલા ઉત્સવમાં કલા, સંગીત અને જીવનની ચેતનાના સમન્વયના રૂપમાં પ્રસ્તુતિઓ થશે. બે દિવસના કલા ઉત્સવમાં ભારતના સંગીત, ગાયકીના દિગ્ગજ કલાકારોના પર્ફોર્મન્સ યોજાશે. મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ અને મહારાજા રણજિતસિંહ ગાયકવાડ ચેરિટીઝના સહયોગથી આયોજિત આ કલા ઉત્સવ વિશે વાત કરતા મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું કે, ‘આ કલાઉત્સવ અંતર્ગત ભારતીય કલાના ઉત્તમ વ્યક્તિત્વોને સન્માનિત કરવાની પરંપરા આગળ ધપાવી રહ્યાં છે.

5મી જાન્યુઆરીએ કલા ઉત્સવ અંતર્ગત સાંજે તબલા વાદક પ્રશાંત પાંડવ, વાયોલિનિસ્ટ અને પદ્મભૂષણ ડો.એન. રાજમ કથક નૃત્યકાર કુમાર શર્મા દ્વારા પ્રસ્તુતિ થશે. ઉલ્લેખનીય છે કે, આ બંને કાર્યક્રમો આમંત્રિતો માટે છે. જ્યારે આ કલા મહોત્સવનું એક વિશેષ આયોજન રીની ઘુમાળ ચિત્રોનું પ્રદર્શન ‘શક્તિ’ છે. હાથીહોલ ખાતે આ કલા પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે વડોદરાની ખાણીપીણી સાથે સંકળાયેલા એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે. જેમાં વડોદરાના જાણીતા નાસ્તા અને ખાદ્યપદાર્થોના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

Trending

Exit mobile version