Surat
કારગીલ વિજય દિવસે સુરત પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓની શહીદોને અનોખી શ્રધ્ધાંજલી
સુનિલ ગાંજાવાલા
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછાની એક સ્કુલે કારગીલ વિજય દિવસે શહીદ પરિવારને 51 હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓના પોકેટમનીમાંથી ભેગા કરેલા રૂપિયાનું દાન મળતા શહિદ સૈનિક પરિવાર ભાવવિભોર બનીને સ્કૂલમાં પહોંચી વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો તો વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે શહિદ સૈનિક પરિવારના સભ્યોના સન્માન કર્યું હતું. સરકારી સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી અને તેમની ભાવના જોઈને શહિદ સૈનિકનો પરિવાર ગદગદ થઈ ગયો હતોસુરત સહિત દેશના અનેક વિસ્તારમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, આ બધી શ્રદ્ધાંજલિમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વરાછાની ઈશ્વર પેટલીકર સ્કુલના વિદ્યાર્થીઓએ આપેલી શ્રધ્ધાંજલી અનોખી તરી આવે છે. સ્કૂલના પ્રિન્સિપાલ વૈશાલી સુતરીયા કહે છે, અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ નો જન્મ દિવસ હોય છે ત્યારે તેમને બર્થ ડે વીશના કાર્ડ સાથે ગુલાબ આપવામાં આવે છે.
અમારી સ્કુલમાં બર્થડેના દિવસે બાળકોને ચોકલેટ આપવાના બદલે પ્રાર્થના બાદ એક દાનપેટી મુકવામા આવી છે આ દાનપેટીમાં જેનો બર્થ ડે હોય તે વિદ્યાર્થી ચોકેલેટ વહેચવાના બદલે જે યથાશક્તિ રકમ હોય તે આ દાનપેટીમાં મુકે છે. આ પહેલાં બે વખત દાનપેટી ખોલી ત્યારે એક વખત 26 હજાર અને બીજી વખત 24 હજાર રૂપિયા ભેગા થયા હતા.આ વખતે દાનપેટી ખોલવામા આવી ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે 51 હજાર રૂપિયાની રકમ ભેગી થઈ હતી. આ અમે જય જવાન નાગરિક સમિતિને થોડા દિવસ પહેલા આપવામાં આવ્યા હતા. આ સમિતિ દર વર્ષે શહીદ થયેલા નાગરિકના પરિવારને સહાય કરે છે તેઓને આપવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના સતાના જિલ્લાના નોગવા ગામના એએસઆઈ શંકરપ્રસાદ રામદાસ પટેલ જેઓ શહીદ થયા હતા તેમના પરિવારને 51 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક અમારી સ્કૂલના બાળકોના પોકેટ મનીમાંથી મળ્યો હોવાનું જાણીને શહીદ શંકરપ્રસાદના પત્ની લક્ષ્મીબેન અને તેમના પુત્ર અને પુત્રવધુ સ્કૂલમાં આવ્યા હતા. લક્ષ્મીબેન જણાવ્યું હતું કે સરકારી સ્કુલમાં આટલી બધી હાજરી હોય તે અમારા માટે ઘણી નવાઈની વાત છે. આ ઉપરાંત સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન સાથે સાથે દેશભક્તિ પણ શીખવવામાં આવી રહી છે તેના કારણે બાળકો બર્થડેની ઉજવણી કરવાના બદલે દેશના સૈનિકો ના પરિવાર માટે સહાય ભૂત બની રહ્યાં છે.