Entertainment
બૉલીવુડ માટે છવાઈ શોકની લહેર! પરિણીતા અને મર્દાની જેવી દમદાર ફિલ્મો આપનાર ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકારનું નિધન
જાણીતા ફિલ્મ સર્જક પ્રદીપ સરકારનું નિધન થયું છે. તેમણે 67 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અને ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર કરી છે. અહેવાલ છે કે પ્રદીપ લાંબા સમયથી બીમાર હતા, તેમના શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટી ગયું હતું અને તેઓ ડાયાલિસિસ પર હતા.
રાત્રે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 3:30 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. પ્રદીપના અંતિમ સંસ્કાર આજે સાંતાક્રુઝમાં સાંજે 4:00 કલાકે કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર શેર કરતા હંસલ મહેતાએ ટ્વિટર પર તેમની તસવીર શેર કરી અને લખ્યું, “પ્રદીપ સરકાર, દાદા, RIP” હંસલની આ જ પોસ્ટને રીટ્વીટ કરતા મનોજ બાજપેયીએ લખ્યું, “આ ઘટના ખૂબ જ આઘાતજનક છે. દાદા તમારી આત્માને શાંતિ મળે.” અજય દેવગણે પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રદીપ સરકાર તેમની ફિમેલ લીડ ફિલ્મો માટે જાણીતા હતા. તેણે બોલિવૂડને ‘પરિણીતા’, ‘હેલિકોપ્ટર ઈલા’ અને ‘મર્દાની’ જેવી મજબૂત ફિલ્મો આપી છે. પ્રદીપના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2005માં ફિલ્મ ‘પરિણીતા’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 2007માં લગા ચુનરી મેં દાગ, 2010માં લફંગે પરિંદે અને 2014માં મર્દાનીનું નિર્દેશન કર્યું.
રાની મુખર્જી સાથે ‘મર્દાની’, કાજોલ સાથે ‘હેલિકોપ્ટર ઈલા’, દીપિકા પાદુકોણ સાથે ‘નાદાન પરિન્દે’ અને ‘પરિણિતી’ સાથે વિદ્યા બાલન લોન્ચ કરનાર પ્રદીપ સરકારે હંમેશા મહિલાલક્ષી ફિલ્મો સુંદર રીતે કરી છે. પ્રદીપ સરકાર વિદ્યા બાલનના મેન્ટર રહી ચૂક્યા છે. વિદ્યા બાલનને પ્રદીપ સરકાર દ્વારા પલાશ સેનના આલ્બમમાં લોન્ચ કરવામાં આવી હતી.
2019 થી, સરકારે ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’, ‘એરેન્જ્ડ મેરેજ’, ‘ફોર્બિડન લવ’, ‘દુરંગા’ જેવી વેબ સિરીઝ પણ ડિરેક્ટ કરી છે.