Gujarat

વિદેશમાં વસવાટનો મોહ છોડી એક મહિલાએ પ્રાકૃતિક કૃષિ થકી શરૂ કરી જમીન – માટીની આરાધના

Published

on

વિદેશમાં વસવાટનો મોહ છોડી પોતાના વતન વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે સ્થાયી થયેલા નયનાબેન દવે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક કૃષિ થકી જમીન અને માટીની સાધના કરી રહ્યા છે. રાસાયણિક ખાતો અને જંતુનાશકોનો ઉપયોગ વિના તેમના દ્વારા થતી પ્રાકૃતિક કૃષિને પરિણામે ગુજરાતમાં સૌથી વધુ ઓર્ગેનિક કાર્બન ધરાવતી જમીનો પૈકીના એક ખેડૂત બન્યા છે. નયનાબેનની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવનશૈલી નિહાળી તેમને ‘કૃષિના ઋષિ’ કહેવાનું મન અચૂક થઇ આવે !

વ્યારા ગામે કામધેનુ ગૌશાળા અને વાડી ધરાવતા ૬૩ વર્ષીય ખેડૂત નયનાબેન દવેની વાત નિરાળી છે. તેમના પતિ રાજેન્દ્રપ્રસાદ દેના બેંકમાં એગ્રિકલ્ચર ઓફિસર હતા. તેમણે દોઢ દાયકા પહેલા ગામમાં સોળ વિઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી હતી. રાજેન્દ્રભાઇને જમીનને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઝેરથી બચાવવાની લગન લાગી હતી. આ માટે તેઓ ૧૨૧ જેટલી ગાયોનું પાલન પણ કરતા હતા. જો કે, હવે તેઓ એકલપંડે પહોંચી શકતા ના હોવાના કારણે એક જ ગાય માતાનું પાલન કરે છે.

Advertisement

હવે થયું એવું કે, ચારે’ક વર્ષ પહેલા રાજેન્દ્રભાઇનું અવસાન થયું. નયનાબેનના બે પુત્રો યુકે અને યુએસએમાં સ્થાયી થયા છે. પતિનું અવસાન થતાં નયનાબેન વ્યારામાં એકલા થઇ ગયા. એક પુત્રએ તેમને અમેરિકા રહેવા માટે બોલાવી લીધા. અમેરિકામાં માત્ર છ માસના વસવાટ દરમિયાન જ નયનાબેનને પોતાનું ગામ અને વાડી યાદ આવી. એટલે તેઓ વિદેશમાં વસવાટનો મોહ છોડી ફરી વ્યારા આવી ગયા. પતિ રાજેન્દ્રભાઇએ શરૂ કરેલી જમીન, માટીની આરાધનાનું કામ ફરી શરૂ કર્યું.

પ્રાકૃતિક કૃષિના પાયાના સિદ્ધાંતોમાં થોડો ફેરફાર કરી તેઓ જીવામૃત, બીજામૃતમાં અન્ય કઠોળનો લોટ પણ ઉમેરે છે અને તેનો ઉપયોગ જમીન, પાકમાં નાખવામાં કરે છે. વ્યારા સ્થિત જમીનની માટી ભલેને ભૂરી દેખાય પણ એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ એટલા વિપુલ પ્રમાણમાં છે કે, એક મુઠ્ઠી બીજ નાખો તો ધાનના ઢગલાના ઢગલા ખડકાય છે.

Advertisement

તેમની જમીનના નમૂના મેળવીને છોટાઉદેપુર જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલ ભારતી ખાતે ઓર્ગેનિક કાર્બનની માત્ર માટે પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. જેમાં નયનાબેન દવેની જમીનમાં છેલ્લા ૨ વર્ષમાં ઓર્ગેનિક કાર્બનની માત્રામાં સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૨- ૨૩ માં તેમની જમીનમાં ઓર્ગેનિક કાર્બનની માત્ર ૧.૨૦ ટકા હતી, જે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧.૩૧ ટકા સાથે જિલ્લા ભરમાં સૌથી વધુ ઓર્ગેનિક કાર્બન ધરાવતી જમીન બની છે. ગુજરાતમાં પણ જુજ ખેડૂતોની જમીનમાં આટલા વિપુલ પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બન છે.

પ્રાકૃતિક કૃષિ થકી તેઓ દૂધી, રિંગણા, ચોળી, તૂવેર, ભિંડા, ગલકા, ગાયો માટેનું ઘાસ, ઘઉંની ઉપજ ઉપરાંત કેળા અને કેરી જેવા ફળોના પાક પણ લે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉછેરાયેલા આંબાની કેરી તમે એક વાર ચાખો તો તેનો સ્વાદ દાઢે વળગે ! શાકભાજીમાંથી તો જાણે કુદરતી મીઠાશ ટપકે ! પ્રાકૃતિક કૃષિમાંથી આવક પણ ધીકતી થાય છે.

Advertisement

આ ઉપરાંત તેઓ આયુર્વેદિક દવાઓમાં પણ રસ ધરાવે છે. મધુપ્રમેહ, આધાશીશી, રોગપ્રતિકારક શક્તિ વર્ધન, શેમ્પુ, માથામાં નાખવાના તેલ, સાબુ પણ બનાવે છે. જેનો ઉપયોગ પરિણામદાયક રહે છે.

નયનાબેનની જીવનશૈલી એકદમ સાદી અને સરળ છે. નિયમિતતા અને અનુશાસિત જીવનના ભાગ છે. નિંદ્રા અને આહાર પ્રત્યે તેમની કાળજી વિશેષ છે. ઘરમાં પણ માટીના લિંપણ કર્યા છે. જેનાથી ઘરમાં સકારાત્મકમ ઊર્જાનું નિર્માણ થાય છે. સાંજે પાંચ વાગ્યા બાદ તેઓ કોઇને મળતા નથી.

Advertisement

ઓર્ગેનિક કાર્બન વધારવામાં જીવામૃતને વધુ અસરકારક બનાવવા માટે નયનાબેને પોતે કરેલ નાના એવો સુધારો વરદાન રૂપ સાબિત થયો છે તે વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે જીવામૃત બનાવતી વખતે તેઓ ચણાનાં લોટની જગ્યાએ બધાજ કઠોળના લોટ ઉમેરતાં હતા. તેમનો આ પ્રયોગ જમીનની ગુણવત્તામાં સુધારો લાવવામાં ખુબજ લાભદાયી નીવડ્યો છે.

આમ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આહ્વાનને લોકોએ સહર્ષ ઝીલીને અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિના માર્ગે વળીને જમીન અને શરીર બન્નેની તંદુરસ્તીની જાળવણી કરવા માટે સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે. આજે રાજ્યના ગામેગામ પ્રાકૃતિક કૃષિ ફક્ત ખેત પદ્ધતિ નહિ પરંતુ એક પ્રકૃતિની પવિત્ર સેવા તરીકે વ્યાપક બની રહી છે.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version