Ahmedabad

દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશૉપ યોજાયો

Published

on

  • દિવ્યાંગજનો માટે કાર્યરત રાજ્યભરની 80 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયાઃ મતદાનના દિવસે દિવ્યાંગ મતદારોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થામાં સૌની ભાગીદારી સુનિશ્ચિત કરતાં ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યના દિવ્યાંગ મતદારો માટે મતદાન પ્રક્રિયા સુલભ બને તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અમદાવાદના અંધજન મંડળ ખાતે એક દિવસીય વર્કશૉપ યોજાયો. દિવ્યાંગ મતદારોને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે રાજ્યભરની 80 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ વર્કશૉપમાં જોડાયા હતા. યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજન સહિતના તમામ મતદારો માટે મતદાન સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગજન પોતાના મતાધિકારના ઉપયોગ દ્વારા લોકશાહીના આ અવસરમાં સહભાગી થાય તે માટે મતદાન મથક પર વ્હિલચેર, રેમ્પ, અલાયદા પાર્કિંગ, મતદાનક્રમમાં અગ્રતા અને મતદાન સહાયક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મતદાન માટે પોતાને મળતી સુવિધાઓ અંગે દિવ્યાંગજનોમાં જાગૃતિ કેળવાય તે માટેના ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ભગીરથ પ્રયાસોમાં સહયોગ માટે આ વર્કશૉપમાં રાજ્યભરમાંથી આવેલા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ વર્કશૉપમાં અધિક કલેક્ટર અને નોડલ ઑફિસર (IT) રિન્કેશ પટેલ દ્વારા દિવ્યાંગ મતદારો માટે મતદાન પ્રક્રિયા સુગમ બનાવવા ‘સક્ષમ’ મોબાઈલ ઍપના ઉપયોગ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ‘સક્ષમ’ મોબાઈલ ઍપ દ્વારા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી, વ્હિલચેરની જરૂરિયાત અંગેની નોંધણી, મતદાનના દિવસે સ્વયંસેવક મેળવવા તથા મતદાન મથક બાબતે જાણવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દ્રષ્ટીની ખામી ધરાવતા મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે EVM પર બ્રેઈલ લિપીમાં માર્કિંગ, ડમી મતપત્ર અને વોટર ગાઈડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

40 ટકા બેન્ચમાર્ક કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોની મતદાન મથક પર જવા સુધીની મુશ્કેલી નિવારવા ચૂંટણી તંત્ર દ્વારા હોમ વોટિંગની પસંદગી આપવામાં આવશે. બુથ લેવલ ઑફિસર દ્વારા ઈચ્છુક દિવ્યાંગ મતદાર પાસેથી ફોર્મ નં.12 અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લઈ નિયત સમયે આગોતરી જાણ કરીને મતપત્ર દ્વારા પૂરતી ગોપનીયતા સાથે મતદાનની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે.

Advertisement

વર્કશૉપમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ તથા સમાજ સુરક્ષા નિયામક વિક્રમસિંહ જાદવ દ્વારા ભારતના ચૂંટણી પંચની દિવ્યાંગો માટેની સુવિધાઓ બાબતની સૂચનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં સહયોગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વર્કશોપમાં અંધજન મંડળના સચિવ ડો. ભૂષણ પૂનાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક ઉદ્બોધન કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, દિવ્યાંગ મતદારોને મતદાન માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લા પ્રમાણે નોડલ NGOની નિમણૂક કરવામાં આવશે, જે જરૂરી વ્હિલચેર તથા વૉલેન્ટીયર્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્રને જરૂરી સહયોગ આપી શકે. દિવ્યાંગ મતદારોને અપીલ કરતા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદાર ‘સક્ષમ’ ઍપ દ્વારા દિવ્યાંગ તરીકે મતદાન માટે જરૂરી સુવિધા માટે નોંધણી કરાવે, જેથી ચૂંટણી તંત્ર દ્વારા તેમને જે તે સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય.

Advertisement

Trending

Exit mobile version