Chhota Udepur

કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો ભરાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે. જે પૈકી કવાંટ ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો. શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંચ્છની ટોપી પહેરી લયબદ્ધ નૃત્યુ કરતા ઘેરિયાઓ મેળા દરમિયાના સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્વ છે. હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર પારંપરિક લોકમેળાઓનું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરના મેળાનું આયોજન કરવામાં આવે છે.

Advertisement

આજે તા. ૧૦મી, માર્ચના રોજ કવાંટ ખાતે પારંપરિક ગેરનો મેળો યોજવામાં આવ્યો હતો. માત્ર છોટાઉદેપુર જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા દેશના અન્ય ભાગોમાંથી તથા વિદેશી સહેલાણીઓ પણ મેળોની મોજ માણવા મેળામાં મહાલતા જોવા મળ્યા હતા.જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળા દરમિયાન કોઇળ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાક ચૌબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પુરતી કાળજી લેવામાં આવી હતી. યાતાયાત નિયંત્રણ સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડેપગે ફરજ બજાવવામાં આવી હતી.

કવાંટ ખાતે યોજાયેલા ગેરના મેળા દરમિયાન ગેરોએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જાત જાતની વેશભૂષામાં સજજ ગેરિયાઓ દ્વારા સમગ્ર કવાંટ નગરમાં ગેરિયા નૃત્યુ કરી ઘેર ઉઘરાવી હતી. આ ઘેરિયા નૃત્યુને માણવા માટે સમગ્ર દેશ અને વિદેશી સહેલાણીઓ પણ મેળામાં ઉમટી પડ્યા હતા.ગેરના મેળા અંગે વાત કરતા યુવા અગ્રણી મુકેશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, પોતાના પરિવાર, સમાજના કલ્યાણ તથા ખેતી અને પશુપાલન માટે અહીંના આદિવાસી માનતા માને છે જેને પુરી કરવા માટે ઘેરૈયા કે બુઢિયા બનતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો ભરાય છે. રાણી કાજલ, કાલિકા માતા અને અન્ય પ્રકૃતિના દેવોને માનતા આદિવાસી પોતાની માનતા પુરી કરવા માટે શરીરે સફેદ ટપકા કરી માથે મોરપીચ્છનો મુગટ ધારણ કરી ૫૦થી વધુની ટુકડીમાં લોકવાદ્યના તાલે તાલબદ્ધ નૃત્યુ કરે છે. ઘરે ઘરે ફરી નૃત્યુ કરતા આ ઘૈરેયાઓને ગામલોકો દ્વારા અનાજ અને નાણા બક્ષિસ સ્વરૂપે આપવામાં આવે છે. આ ગેરના મેળાને માણવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાંથી તેમજ વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે એમ જણાવી હતું.

Advertisement

-હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજના લોકો ગેરિયા બનાવની માનતા રાખે છે, તેઓ સમગ્ર શરીર પર સફેદ માટીના ટપકા કરી, માથે મારપીંચ્છની ટોપી પહેરી ઢોલ,થાળી, વાંસળી અને પિહવાના નાદ સાથે લયબદ્ધ નૃત્ય કરતા હોય એ જોવા માટે આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડે છે. ગેરિયા બનતા યુવાનો અને વયોવૃદ્ધ પાંચ દિવસ સુધી ગામે ગામ ફરી પૈસા અને અનાજ ઉઘરાવે છે. તેઓ પાંચ દિવસ સુધી સ્નાન કરતા નથી, ઘરનું ખાવાનું પણ ખાતા નથી તેમજ ખાટલામાં સુવાનું પણ ટાળે છે. ગેરનો મેળો એ આદિવાસી પરંપરાને ઉજાગર કરતો મેળો છે.

-ખાસ કરીને જુવાનિયાઓ પહેરવા માટે વસ્ત્રો એક જ ડિઝાઈનના તૈયાર કરાવડાવે છે. ઉપરાંત આદિવાસી યુવતીઓ પણ એક જ ડિઝાઇન કે કલરના કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન), ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણોથી સજ્જ થઈ ને ગેરના મેળાની મજા માણવા ઉમટી પડેલ હતા.

Advertisement

એક જ ડિઝાઇનના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનના કે એક જ રંગના કપડાં પહેરવાનો હેતુ એ પણ રહેલો છે કે, ગેરના મેળાની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય એ માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવે છે.

મેળામાં મોટલા ઢોલ અને વાંહળીઓ, ખડખળીસ્યા તેમજ આદિવાસી સમાજની ઓળખસમા તીરકાંમઠા અને ધારીયાં-પાળીયાં સાથે ગામેગામથી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી મેળાનો આનંદ લુંટયો હતા. કવાંટ ખાતે ભરાતો ગેરનો મેળો માત્ર ભારતમાં જ નહીં વિશ્વ પ્રસિદ્ધ મેળો છે. જેમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રત્યક્ષ દર્શન થાય છે. ગેરનો મેળો આદિવાસી સમાજની પરંપરા, લોકસંસ્કૃતિની ઝાંખી કરાવે છે.

Advertisement

Trending

Exit mobile version