Gujarat
ગુજરાતમાં રહેતા યુવકની દક્ષિણ આફ્રિકામાં ગોળી મારી હત્યા, પરિવારમાં શોકનો માહોલ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી. ફોર્ડસબર્ગ ટાવરમાં લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. યુવકનું નામ ઝુબેર પટેલ છે અને તે જંબુસરનો રહેવાસી છે. વિદેશમાં યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
બનાવ સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરમાં રહેતો ઝુબેર પટેલ ઉર્ફે ઝુબેર ડીગ રોજગાર સંદર્ભે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો. અહીં તે ફોર્ડ બર્ગ ટાવર સ્થિત મોબાઈલ શોપમાં કામ કરતો હતો.
સોમવારે લૂંટના ઈરાદે લૂંટારુઓ ફોર્ડસબર્ગ ટાવરમાં પ્રવેશ્યા હતા અને દુકાનદારો અને ગ્રાહકોને મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓ હથિયારો સાથે આવી પહોંચતા જ નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે લૂંટારાઓએ ગોળીબાર કર્યો હતો. લૂંટારુઓના ફાયરિંગમાં ઝુબેર પટેલને ગોળી વાગી અને ઈજા થઈ. સ્થાનિક લોકો ઝુબેરને હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તેનું મોત થઈ ગયું. ઘટના બાદ જોહાનિસબર્ગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
જોહાનિસબર્ગમાં ગામના યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જંબુસર ગામ અને ઝુબેરનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર હુમલા બાદ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.