Gujarat
ઉમરેઠમાં બે દિવસ પહેલા જ ભાડે રહેવા આવેલો યુવક યુવતીના ગળે છરી ફેરવીને ફરાર

સવારના સુમારે કોઈ અગમ્ય કારણોસર બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવકે ધારદાર છરી યુવતીના ગળાના ભાગે ફેરવી દઈને બહારથી મકાનને તાળું મારીને ફરાર : ગંભીર રીતે ઘવાયેલ યુવતીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ : યુવક-યુવતી દંપત્તિ છે કે પ્રેમીપંખીડા તેને લઈને ચાલી રહેલી તપાસ સુરતની યુવતી ગ્રીષ્માના ગળા ઉપર એક તરફી પ્રેમમાં અંધ બનેલા ફેનીલ નામના યુવકે છરી ફેરવી દઈને તેની ક્રુર હત્યા કરી નાંખી પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને યાદ કરાવતો એક કિસ્સો આજે ઉમરેઠ શહેરની કાછીયા પોળમાં બનવા પામ્યો છે. જ્યાં એક દિવસ પહેલા જ ભાડેથી રહેવા આવેલો યુવક યુવતીના ગળા ઉપર છરી ફેરવીને મકાનને બહારથી તાળુ મારીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ બનાવ સંદર્ભે હજી સુધી ઉમરેઠ પોલીસ મથકે કોઈ ફરિયાદ થવા પામી નથી. પોલીસ યુવતી અને યુવક કોણ હતા તેને લઈને તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ ખાતે રહેતા હિતેશભાઈ મહેન્દ્રભાઈ કાછીયાએ બે દિવસ પહેલા જ એક ઓળખીતા ટેમ્પી ચાલકની ભલામણથી એક ૨૫ થી ૩૦ વર્ષની વયના યુવક અને યુવતીને કોઈપણ જાતની ઓળખ લીધા વગર તેમજ ભાડા કરાર કર્યા વગર કાછીયા પોળમાં આવેલુ પોતાનું મકાન ભાડેથી આપ્યું હતુ. દરમ્યાન આજે સવારના સુમારે યુવક અને યુવતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ગળા ઉપર છરી ફેરવી દેતાં યુવતીએ બૂમાબુમ શરૂ કરી દીધી હતી. બીજી તરફ ગળામાંથી લોહીની ધારો વહેવાનું ચાલુ થઈ જવા પામ્યું હતુ.
યુવકે યુવતીને બાથરૂમમાં પુરી દઈને બાદમાં ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયો હતો. યુવતીની બુમરાણથી આસપાસના પડોશીઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા યુવતી બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. જેથી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરી હતી અને મકાનને ખોલીને યુવતીને બહાર કાઢી ૧૦૮ મોબાઈલ વાનમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હાલત વધુ ગંભીર હોય તેણીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસ પણ આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હજી બે દિવસ પહેલા જ આ કપલ ભાડેથી રહેવા માટે આવ્યુ હોય તેઓ કોણ અને ક્યાંના હતા ? પતિ-પત્ની હતા કે પછી પ્રેમીપંખીડા તેની કોઈને ખબર નથી. પોલીસે યુવતીના ફોટા રાજ્યના પોલીસ મથકોએ મોકલી આપીને આવી કોઈ યુવતી ગૂમ થઈ હોય તો તુરંત જ ઉમરેઠ પોલીસનો સંપર્ક સાધવા માટે અપીલ કરી છે. બીજી તરફ પોલીસ યુવતી બોલી શકવાની સ્થિતિમાં આવે ત્યારબાદ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાય તેમ છે. હાલમાં તો પોલીસ દ્વારા માત્ર ઘટના અંગે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ઉમરેઠની કાછીયા પોળમાં મકાન ભાડેથી
આપનાર હિતેશભાઈ કાછીયા પટેલ અને મકાન ભાડેથી અપાવનાર ટેમ્પીના ચાલક ગોપાલભાઈની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. જો કે તેઓને પણ યુવક અને યુવતીઓ કોણ અને કયાંના છે તેની કોઈ ખબર જ નથી. બે દિવસ પહેલા ટેમ્પી ચાલકને બસસ્ટેન્ડ પાસે યુવક-યુવતી મળ્યા હતા અને કોઈ મકાન ભાડેથી હોય તો અપાવવાની વાત કરી હતી. જેથી તેણે પણ વધુ કોઈપણ જાતની ખાતરી તપાસ કર્યા વગર હિતેશભાઈનો સંપર્ક કરીને તેમનું મકાન ભાડેથી અપાવ્યું હતુ. હજી ભાડુ પણ નક્કી કર્યુ નહોતુ. એ પુર્વે જ યુવક યુવતીના ગળા ઉપર છરી ફેરવીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
યુવતી ભાનમાં આવે ત્યારબાદ રહસ્ય ઉકેલાશે : પોલીસ
ઉમરેઠ પોલીસના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘવાયેલી યુવતીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. જ્યાં ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય તેણી કાંઈપણ બોલી શકવાની સ્થિતિમાં નથી. જેને લઈને સમગ્ર ઘટના અંગે રહસ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા બસસ્ટેશનના સીસીટીવી ફુટેજ તેમજ કાછીયા પોળ અને તેની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને યુવકની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..