Surat
સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓ સામે ACBની લાલ આંખ- 35,000 ની લાંચ લેતાં અધિકારી રંગેહાથ ઝડપાયાં
(સુનિલ ગાંજાવાલા સુરત”અવધ એક્સપ્રેસ”)
સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સામાન્ય જનતા કરી રહી છે. આટલું જ નહીં મિલકતધારકો અને વેપારીઓ પણ કર્મચારીઓની ભ્રષ્ટાચાર નીતિને કારણે હેરાન થઈ રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારની વધુ એક ઘટના સુરતમાંથી સામે આવતા ચર્ચાનો વિષય બની છે.સુરતના પુણા વિસ્તારમાં એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે રૂ.35 હજારની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને સુરત ACBએ પુણા વોર્ડ ઓફિસની સામેથી રંગેહાથ ઝડપી લીધા હતા.જ્યારે લાંચ માંગવામાં સામેલ પટાવાળાને ACB એ ઓફિસમાંથી ઝડપી લીધો હતો.મળતી માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં એક વ્યકિતએ તેના મકાનની ઉપર બીજા અને ત્રીજા માળે બે રૂમ બનાવ્યા હતા.
તે ગેરકાયદેસર હોવાથી તોડવા પડશે કહી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુર રાજેશભાઇ પટેલ અને પટાવાળા નિમેષ રજનીકાંત ગાંધીએ જો તેને તોડવા ન હોય તો લાંચ પેટે રૂ.50 હજારની માંગણી કરી હતી. મકાન માલિકે રક્ઝક કરતા બંને રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા.જોકે, આ અંગે મકાન માલિકે સુરત એસીબીમાં ફરિયાદ કરતા ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે. ચૌહાણે ગત મોડીસાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું.જુનિયર ઈજનેર કેયુર રાજેશભાઇ પટેલે લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી. તેમને રંગેહાથ ઝડપી પાડી પટાવાળા નિમેષ રજનીકાંત ગાંધીને તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા ઝોનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યા વગર કોઈ કામ કરતા ન હોવાનો વિપક્ષ દ્વારા પણ આક્ષેપો થતો રહે છે. કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચારને રોકવો ખૂબ જ મુશ્કેલ છે.