Chhota Udepur
વિકાસનાં કામોને વેગ: ચૂંટણી ટાઇમે જે જે વચનો આપ્યા છે, તે સમય સંજોગો પ્રમાણે પ્રયત્નશીલ થઈને કરતા રહીશું : જયંતિભાઈ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૧૯
કવાંટ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા વિકાસ લક્ષી કામોને વેગ મળ્યો છે, ત્યારે કવાંટ તાલુકાના પાનવડ રાયછા, સિંહાદા, ભુમસવાડા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુર્હૂત ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કામ રૂ. ૯૦ લાખ જેટલી માતબર રકમ વિકાસલક્ષી કામો માટે ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએથી મંજૂર કરાવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
ખાતમુર્હૂત પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, કવાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાનવડ, ભૂમસવાડા જેવા અનેક ગામોના સીમ વિસ્તારને જોડતા રસ્તાઓ માટે મેં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે અનેક વિસ્તારના રસ્તાઓ નિર્માણ અર્થે મોટી સંખ્યામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેને લઇ જયંતિભાઈ રાઠવાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારમાં અવિરતપણે વિકાસના કાર્યો વધારીશું અને નાનામાં નાના માણસની સમસ્યાઓને હલ કરવાનો પ્રયત્ન અચૂક કરતા રહીશું. અમે ચૂંટણી ટાઇમે જે જે વચનો આપ્યા છે, તે સમય સંજોગો પ્રમાણે પ્રયત્નશીલ થઈને કરતા રહીશું.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, કવાંટ કારોબારી સભ્ય પીન્ટુભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સદસ્યો સહિત ભાજપના આગેવાનો અને કાર્યકારો, ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.