Surat
ડાબા હાથના કપાયેલા અંગૂઠા પરથી હત્યાનો આરોપી 25 વર્ષે આંધ્ર પ્રદેશથી ઝડપાયો
(સુનિલ ગાંજાવાલા સુરત)
ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ઉમરા વિસ્તારમાં યુવકની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને 25 વર્ષ બાદ આંધ્ર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. પોલીસ પાસે આરોપીનો ફોટો કે અન્ય માહિતી ન હતી. જો કે તેના ડાબા હાથનો અંગૂઠો કપાયેલો હોવાની હકીકત જાણતી હતી. જેની મદદથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કપાયેલા અંગૂઠાના આધારે આરોપીને ઓળખી કાઢીને તેની ધરપકડ કરી છે.હકીકતમાં સુરત પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે તેવા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી કે જે છેલ્લા 25 વર્ષથી નાસતો ફરે છે, તે આંધ પ્રદેશમાં ફરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસની એક ટીમ ત્યાં ગઈ હતી અને આરોપી હાથી કાલિયા ઉદય જૈના ને ઝડપી પાડ્યો હતોપોલીસે તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, વર્ષ 1999ની સાલમાં કબી પુનિયાનો આરોપી કાલિયા ઉદય જૈના સાથે પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપી કાલીયા ઉદય જૈનાએ તેના મિત્ર દુર્ગો ગૌડ સાથે મળી કબી પુનિયાને ભરથાણા ગામની સીમમાં લઇ ગયો હતો. જ્યાં એક ખેતરમાં આરોપીએ અસ્ત્રાથી કબી પુનિયાનું ગળું કાપી તેની હત્યા કરીને લાશ નહેરમાં નાંખ્યા બાદ ફરાર થઇ વતન નાસી ગયા હતા. આરોપીના વતન ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં પોલીસ તપાસ માટે આવતી હોવાથી આરોપી આંધ પ્રદેશ રહેવા ચાલ્યો ગયો હતો, જ્યાં તે કડિયા કામ કરતો હતો.વધુમાં પોલીસ પાસે આરોપીનો ફોટો કે અન્ય માહિતી ન હતી. જો કે તેના ડાબા હાથનો અંગૂઠો કપાયેલો છે તે હકીકત પોલીસ જાણતી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે કપાયેલા અંગૂઠાના આધારે આરોપીને ઓળખી કાઢી તેની ધરપકડ કરી હતી