Ahmedabad
ભારતમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજનું કરાયું ભકિતભાવભર્યું સ્વાગત
ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. ત્રણ માસ પર્યંત લંડન, યુકે, નોર્થ અમેરિકા, કેનેડા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓશ્રીએ અધ્યાત્મસભર પાવનકારી જ્ઞાનસત્ર યોજી તથા યુકે અને નોર્થ અમેરિકાના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોના પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી સ્વદેશ ભારત પધાર્યા છે.
લંડનના આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી એર ઈન્ડિયા એરવેઝમાં બિરાજમાન થઇ ભારતમાં ગુજરાત રાજયના સરદાર પટેલ ઇન્ટરનેશનલ હવાઈમથકે ઉતરાણ કર્યું હતું. અહીં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, મણિનગરના અગ્રણી હરિભક્તોએ હવાઈ મથકે પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી ભકિતભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યાંથી મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પધારતાં સદ્ગુરુ સંતોએ પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું તથા પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સ્યંદન – રથમાં બિરાજમાન થયા હતા.
વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સૂરાવલી રેલાવી હતી. સંતો-હરિભક્તો સહ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા હતા. ત્યારબાદ પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી, દર્શન, ભેટણ લીલા વગેરે સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા.