Surat
સુરત માં અમરોલી, ઉત્રાણ અને જહાંગીરપુરામાં પોલીસના કોમ્બિંગમાં 164 લોકો સામે કાર્યવાહી
ગત રવિવારે રાજમાર્ગ ઉપર દબાણ હટાવવાના મુદ્દે થયેલા છમકલાં બાદ શહેર પોલીસ આગામી ઈદના તહેવારોને પગલે કોઈ જોખમ નથી લેવા માગતી. અમરોલી-કોસાડ આવાસ, જહાંગીરપુરા, ઉત્રાણ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું.તેમાં 164 લોકો ઘાતક હથિયાર રાખવા, દારૂ પીવા અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને ફરવા જેવા કૃત્ય કરીને કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા પકડાયા હતા.પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ નજીકના દિવસોમાં રમઝાન ઈદના તહેવારને પગલે અમરોલી, ઉત્રાણ અને જહાંગીરપુરા પોલીસ મથકમાં અલગ-અલગ ટીમની મદદથી શહેર પોલીસે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા આ કોમ્બીંગ દરમ્યાન અમરોલી અને ખાસ કરીને કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં પોલીસે ઊંડી તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. કોસાડ આવાસ, અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા રોડ ઉપર લોકોની સરતપાસ કરી હતી. તેમાં 164 આરોપીઓ વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ કોમ્બિંગ દરમિયાન નંબર પ્લેટ વિનાના 70 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનાર 16 આરોપીઓ પાસેથી રેમ્બો છરા, ગુપ્તી અને તલવાર સહિતના ઘાતકી હથિયારો ઝડપી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ દારૂ પીધેલી હાલતમાં 12 અને દારૂ સાથે પાંચ શખ્સ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગત રવિવારે મોડીરાત્રે રાજમાર્ગ ઉપર દબાણ હટાવવાના મુદ્દે ચકમક થઈ હતી. છમકલું જેવું થયું હતું તેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. એટલે, આગામી ઈદના તહેવારને પગલે સુરત શહેર પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. અસામાજીક તત્વો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવા માટેનો ઇરાદો બનાવી ચૂકી છે. થોડા સમય પહેલાં આજ રીતે અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં પણ કોમ્બિંગ દરમ્યાન અનેક આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત