સુરત પાલિકાની 24 કલાક પાણી આપવાની યોજના વાસ્તવિક ઓછી અને બિલમાં વધારે તેવું સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ લાખો રૂપિયાના પાણીના બિલ છાશવારે પકડાવાતા શહેરીજનો અકળાવા માંડ્યા છે. પુણા વિસ્તારમાં આવેલા બે એપાર્ટમેન્ટમાં વોટર મીટરના તોતિંગ બિલને કારણે લોકોએ ભારે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. સ્થાનિક કોર્પોરેટરોએ સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરવી પડી હતી.સુરત પાલિકાના વોર્ડ નં. 16 (પુણા-પશ્ચિમ) વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટ અને આકાશગંગા એપાર્ટમેન્ટમાં અનુક્રમે 1.50 લાખ અને 80 હજાર રૂપિયાના બિલો આવતાં ફ્લેટ હોલ્ડરોમાં રોષની લાગણી ફેલાઈ હતી. એક તરફ કારમી મોંઘવારી વચ્ચે બેફામ વોટર મીટરના બિલોને પગલે લોકો મંગળવારે વહેલી સવારથી જ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા ઉપર નીકળી પડ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે કોર્પોરેટર પાયલ સાકરિયા અને શોભનાબેનને જાણ કરતાં તેમણે પણ ઘટના સ્થળે આવવું પડ્યું હતું. વેદના વ્યક્ત કરતાં લોકોએ જણાવ્યું હતું કે, અગાઉ આ જ એપાર્ટમેન્ટના છ મહિનાનું બિલ 1500થી 1700 રૂપિયા જેટલું આવતું હતું. જો કે, આ વખતે 13 મહિનાનું બિલ એક લાખ રૂપિયા સુધી પહોંચતાં એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં પરિવારજનોના માથે આર્થિક ભારણ આવી પડ્યું છે. સત્યમ એપાર્ટમેન્ટ અને આકાશ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં પરિવારજનોએ ભારે વિરોધ સાથે વોટર મીટરના બિલો મુદ્દ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, પાલિકાએ 24 કલાક અને સાતેય દિવસ અવિરત પાણી પુરવઠો આપવાના નામે પાણીના મીટર તો મૂકી દીધા છે પણ તેમનો 24 કલાક પાણી આપવાનો દાવો પોકળ છે. વોટર મીટર લાગ્યા હોવા છતાં એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન માત્ર બેથી અઢી કલાક જેટલું જ પાણી આવે છે. ઘણી વખત કાળઝાળ ગરમીમાં પાણીના ટેન્કરના ભરોસે ફ્લેટ હોલ્ડરોએ રહેવું પડતું હોય છે.