Panchmahal
શિક્ષણ મંત્રી ના હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આદિવાસી અસ્મિતા પર્વ શિબિરનો પ્રાંરભ કરાયો
ગોધરા તાલુકાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સાત દિવસીય “આદિવાસી અસ્મિતા પર્વ” થીમ આધારિત રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ,ગાંધીનગર અને રાજ્ય એન.એસ.એસ સેલ તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે રાષ્ટ્રીય એકતા શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી.યુનિવર્સિટી ખાતે પંચમહાલ,દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંસ્કૃતિ કલા તેમજ જનજાતિ સમાજના ગુમનામ નાયકોનું ટ્રાઇબલ ચેર હેઠળ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેનું મંત્રી અને મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.
આ પ્રસંગે મંત્રી કુબેરભાઈ ડીંડોરે ગુજરાત સરકાર વતી યુનિવર્સિટી ખાતે પધારેલા અલગ અલગ રાજ્યના ૧૮૮ વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું કે, એન.એસ.એસની શરૂઆત મહાત્મા ગાંધીજીના વિચારોને ફલિતાર્થ કરવા ૧૯૬૯ થી કરાઈ હતી. સ્વચ્છતા,સમાનતા અને બંધુત્વની સાથે આજે દેશભરમાં એન.એસ.એસ વિભાગ વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. તેમણે દેશની આઝાદીમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર નાયકોને યાદ કરીને જણાવ્યું કે,સરકાર દ્વારા અનેક નાયકોના ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે.ભારતની ભૂમિ પર બિરસા મુંડા,શ્રી ગોવિંદ ગુરુ જેવા અનેક આદિજાતિ જન નાયકોનું સ્થાન અદકેરું રહ્યું છે.
દેશમાં આ જન નાયકોએ સમાજ સુધારણા,રાષ્ટ્રભાવના,બલિદાન,સ્વતંત્રતા,ભક્તિ આંદોલન,વ્યસન મુક્તિ સહિત અનેક ચળવળો ચલાવી હતી.સરકારએ જન નાયકોના માનમાં તથા ભારતની આદિવાસી પરંપરાના મહિમાને ઉજાગર કરવા ૧૫ નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે.તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૨માં આદિવાસી સમાજના ઇતિહાસ માનગઢને વિશ્વવ્યાપી ઓળખ આપી છે.
તેમણે કહ્યું કે દેશનો વિદ્યાર્થી અભ્યાસની સાથે સેવા,પ્રામાણિકતા,નમ્રતા,શ્રમ નિષ્ઠા,સંસ્કાર,નેતૃત્વ અને રાષ્ટ્રભક્ત બને તે જરૂરી છે.દેશના ઇતિહાસમાં પ્રાચીન વિદ્યાપીઠોનું મહત્વનું સ્થાન રહ્યું છે.આગામી સમયમાં કેવડીયા ખાતે દેશનું ટ્રાઈબલ મ્યુઝિયમ બનશે જેથી આદિવાસી સમાજની સભ્યતા અને પરંપરાગત તથા રહેણી કહેણી વિશે આવનાર પેઢી જાણી શકશે.
આ તકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણએ જણાવ્યું કે,દેશભરમાં પ્રથમ વખત યુનિવર્સિટી ખાતે આદિવાસી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે,સાત દિવસીય આ શિબિરમાં વિધાર્થીઓ પોતાના રાજ્યોની આદિવાસી અસ્મિતાની બાબતો રજૂ કરશે અને લોકો પણ અસ્મિતાને નજીકથી જાણે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. તેમણે કહ્યું કે,યુનિવર્સિટીએ છેલ્લા સાત વર્ષમાં અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે.સરકારના પ્રયત્નોથી મધ્યગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણનું પ્લેટફોર્મ મળ્યું છે.આજે યુનિવર્સિટી હસ્તક ૩૦૦ કોલેજોમાં ૧ લાખ ૫૦ હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.૮૫૦ વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે.શોધ યોજના અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ૧૦ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે,રાજ્યમાં ફક્ત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પરીક્ષાના દિવસે જ રિઝલ્ટ આપવાની શરૂઆત કરી છે.આ તકે મંત્રી અને મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના કુલ સચિવશ્રીઅનિલ સોલંકી દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન કરાયું હતું.
વિવિધ રાજ્યોમાંથી આવેલા ૧૮૮ વિદ્યાર્થીઓ તા.૦૨/૧૧/૨૦૨૩ થી ૦૮/૧૧/૨૦૨૩ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે તથા માનગઢ અને ટુવા જેવા સ્થળોની મુલાકાત લેશે. સાત દિવસ સુધી ચાલનારા આ આદિવાસી અસ્મિતા પર્વ કાર્યક્રમમાં ગુજરાત,ઝારખંડ, પશ્ચિમ બંગાળ,તમિલનાડુ,કર્ણાટક,મહારાષ્ટ્ર,રાજસ્થાન,કેરળ અને તેલંગાણા રાજ્યોના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક પી.બી પંડ્યા, રાજ્ય એન.એસ.એસ અધિકારી આર.આર.પટેલ, એન.એસ.એસ વિભાગના પ્રાદેશિક ડાયરેકટર ડૉ.કમલકુમાર કર,રાજ્ય એન.એસ.એસ વિભાગના સંયુક્ત કમિશનર નારાયણ માધુ,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ અનિલ સોલંકી,પોલીસ રેન્જ આઈ.જી અસારી સહિત વિવિધ અધિકારીઓ,મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
* સ્વચ્છતા,સમાનતા અને બંધુત્વની સાથે આજે દેશભરમાં એન.એસ.એસ વિભાગ વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર
* આગામી સમયમાં કેવડીયા ખાતે દેશનું ટ્રાઈબલ મ્યુઝિયમ બનશે જેથી આદિવાસી સમાજની સભ્યતા અને પરંપરાગત તથા રહેણી કહેણી વિશે આવનાર પેઢી જાણી શકશે.
* સરકારએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર જનજાતિ સમાજના ગુમનામ નાયકોના મહિમાને ઉજાગર કર્યો.
* દેશભરમાં પ્રથમ વખત યુનિવર્સિટી ખાતે આદિવાસી પર્વની ઉજવણીમાં આઠ રાજ્યના ૧૮૮ વિદ્યાર્થીઓ આદિવાસી અસ્મિતાને નજીકથી જાણશે-ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ