Surat
મરી-મસાલા, આઇસક્રીમ-શરબત બાદ મેંગો જ્યુસના સેમ્પલ લેવાયા
શહેરમાં આકરી ગરમી વચ્ચે પાલિકાના ફૂડ વિભાગે ફૂટવર્ક શરૂ કર્યું છે. સિઝનલ મરી-મસાલાનું વેચાણ કરનારા બાદ આઇસક્રીમ અને શરબતનું વેચાણ કરનારાઓને તપાસ હાથ ધરાઇ હતી.હવે મેંગો જ્યુસનું વેચાણ કરનારા ફૂડ વિભાગની ઝપટે ચઢયા છે. અલગ અલગ વિસ્તારમાં આવેલી 11 સંસ્થાઓમાં તપાસ કરી કુલ 22 સેમ્પલ લેવામાં આવ્યા છે.ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં કેરી દેખાવા માંડી છે. વર્તમાન સમયે બજારમાં ડઝનના ભાવથી કેરીનું વેચાણ થઇ રહ્યું છે. બીજી તરફ મેંગો જ્યુસ કે મેંગો મિલ્ક શેકનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ગુરુવારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અઠવાલાઇન્સ અમીઝરા શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન કરીનો રસ, અડાજણ પ્રગતિ નગર ખાતે મહેન્દ્ર અને નરેન્દ્ર તાજા કેરી રસ કેન્દ્ર, અડાજણ હનીપાર્ક રોડ સ્થિત કેદાર ભવન ખાતે હરેકૃષ્ણ રસ, કતારગામ પંડોળ ઇન્ડસ્ટ્ર્ીઝમાં ગોકુલ રસ ભંડાર, ગોકુલ રસ ભંડાર (મોરડિયા), કતારગામ ગોટાલાવાડી વિસ્તારના ન્યૂ ગોકુલ રસ ભંડારમાંથી ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા.
આ જ પ્રમાણે વેડ રોડ વિસ્તારમાં આવેલા ગોકુલ રસ, વેડ-ડભોલી સ્થિત અક્ષર વાડીની સામે અક્ષર સ્ક્વેરમાં આવેલા ગોકુલ રસ, વેડ રોડ ખાતે ફટાકડા વાડીમાં ઓમ ગોકુલ રસ ભંડાર અને નાનપુરા કદમપલ્લી રોડ ઉપર સોરઠિયા પંચની વાડી નજીક શ્રાીજી કેરી ભંડારમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. કુલ 11 સંસ્થાઓમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન 22 જેટલા મેંગો મિલ્ક શેક સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ સેમ્પલ ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત