Vadodara
છ વખત કસુવાવડ બાદ મહિલાને સાતમી પ્રસુતિએ સફળતા મળી
રિકરન્ટ પ્રેગન્સી લોસ્ટ અને બેડ ઓબસ્ટ્રેક હિસ્ટ્રી ધરાવતી મહિલાને પાદરા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ નવ માસ સઘન સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખી સાતમી પ્રસુતી સફળતાપૂર્વક કરાવી છે. છ વખત કસુવાવડ થવાને કારણે હતાશામાં ગરકાવ થયેલા દંપતીને સરકારી દવાખાના તબીબોએ દવા સાથે સધિયારો આપી સફળતાથી પ્રસુતી કરાવી છે. વાત એવી છે કે ગત્ત નવેમ્બર-૨૦૨૨ માસ દરમિયાન ૩૩ વર્ષીય સોનલબેન ગાંધી અને તેમના પતિ જિજ્ઞેશભાઇ ગાંધી પાદરા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિદાન માટે આવ્યા હતા. ત્યારે સોનલબેનને સારા દિવસો જઇ રહ્યા હતા. તેમની વ્યાધિ એ હતી કે, તેમની આ સાતમી વખતની ગર્ભાવસ્થા હતી. આ પહેલા છ વખત કસુવાવડ થઇ હતી. એટલે આ દંપતિ માનસિક રીતે હતાશામાં સંપડાઇ ગયા હતા.
સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. જલ્પિત શાહની સલાહ લીધી અને તબીબે સંપૂર્ણ પરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે, સોનલબેનને રિકરન્ટ પ્રેગન્સી લોસ્ટ થવાની સમસ્યા છે અને બેડ ઓબસ્ટ્રેક હિસ્ટ્રી ધરાવે છે. વળી, ટોર્ચ ઇન્ફેક્શન પણ છે. આના કારણે એવું થાય કે, ગર્ભાશયનું મુખ ખુલી જાય અને મહિલાને કોઇ પીડા વખત ગર્ભ નીકળી જાય છે. સોનલબેનને છઠ્ઠી વખત ગર્ભાવસ્થા હતી ત્યારે છ માસે બાળક જન્મીને મૃત્યુ પામ્યું હતું. તેમણે વડોદરાના નામી તબીબોની સારવાર લીધી પણ, સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નહોતો. એટલે હતાશ થઇ પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા હતા. અહીં ડો. જલ્પિત શાહે તેમની હતાશા દૂર કરી સારવાર શરૂ કરી.
નવેમ્બર માસથી એક મહિનામાં બે વખત નિરીક્ષણ અને સારવાર આપવાનું શરૂ કર્યું. સોનલબેનને સંપૂર્ણ આરામ કરવાની સાથે પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપવામાં આવી. મોટાભાગ દવાઓ સરકારી દવાખાનામાંથી આપવામાં આવી હતી. આમ, સતત કાળજી અને તબીબી નિરીક્ષણને પરિણામે સોનલબેનને પૂર્ણ માટે તંદુરસ્ત બાળકનો જન્મ થયો. બાળકનો વજન ૨.૮૫૦ કિલોગ્રામ હતું.
તેમને દવાખાનામાંથી રજા આપવામાં આવી ત્યારે સરકારી દવાખાનામાં મળતી સારવાર અને તબીબોની કાળજી વિશે આભારની લાગણી વ્યક્ત કરવાનું ચૂક્યા નહી.