Gujarat
જેલમાં વ્યસન બંધ થઇ જતાં બેબાકળા થયેલા કેદીને કાબુમાં લેવા જેલ તંત્રને નાકે દમ આવી ગયો

પારિવારિક ઝઘડાના કેસમાં કોર્ટના આદેશના આધારે જેલમાં પહોંચેલા એક કેદીએ કારાગૃહને માથે લીધું હતું. વડોદરાના ગોરવા વિસ્તારનો રહેવાસી અને વ્યસની કેદીને જેલમાં વ્યસન ન મળતા અડધી રાત્રે રઘવાયો થઈને બેફામ વર્તન કરતો જોવા મળ્યો હતો.
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો નિતેશ રવિન્દ્રસિંહ કુશાવાહને આચરેલ ગુના હેઠળ ૩૯ માસ ની સજા થઈ હતી. જે અંતર્ગત તેને વડોદરા મધ્યસ્થ જેલમાં તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. જેલ બહાર કેદી નિતેશ હંમેશા નશાચુર રહેતો અને કારાગૃહમાં વ્યસન ના મળતા બેબાકળો થઈ જાય તેવું વર્તન કરતો હતો.
વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષકે જણાવ્યું કે, તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ આ પાકા કેદીની જેલમાંથી એવી વાત જાણવા મળી કે રાત્રીના ૨૩.૪૦ કલાક થઈ ગયા હોવા છતાં પણ આ કેદી ઊંઘતો ન હતો. ઊંચા અવાજે બીભત્સ ગાળો બોલતો હતો અને અર્ધનગ્ન હાલતમાં આમથી તેમ આંટા મારતો હતો. જેના કારણે બીજા કેદીઓ પણ ત્રાહિમામ્ પોકારી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ડયૂટી જેલરની હાજરીમાં તાત્કાલિક આ કેદીને ત્રણ પૈડાવાળી સાયકલ વડે આઉટ સર્કલ દવાખાના ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સારવાર દરમ્યાન જાણ થઈ કે કેદી નિતેશ કુશવાહને જેલ બહાર વ્યસનની કુટેવ હોવાથી, જેલમાં તેને કંઇ ન મળતા તે બેચેન બની ગયો હતો અને ઊંચા અવાજે જોરજોરથી બોલતો હતો. તપાસ બાદ ડૉક્ટરની સૂચના મુજબ મેડિકલ સ્ટાફ દ્વારા તેને સારવાર આપવામાં આવી. જેલ બહાર વ્યસન કરવાની ટેવ હોવાથી તેને દવાની કોઈ પણ અસર થતી ન હતી અને પરામર્શ દરમ્યાન તેણે સમજાવવા છતાં કોઈ વાત માનવા તૈયાર ન હતો.
મોડી રાત્રે ૧ વાગ્યે સર્કલ દવાખાનાની બેરેકમાં બંધ કરવામાં આવ્યો. તેની હાલતમાં કોઈ જ સુધારો જોવા ન મળ્યો. વધુમાં તે જાળી ઉપર ચઢતો હતો અને બેરેકના લોખંડના દરવાજે માથું ભટકાડતો હતો. તેની માનસિક પરિસ્થિતિ વધુ વણસતા હાથકડી લગાવીને ડૉક્ટર ના જણાવ્યા અનુસાર વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું. તેની હાથકડી ખોલીને બેરેકની દરવાજો ખોલતા તે દોડવા જતા પગથિયાં ઉતારવાના બદલે નીચે પડી ગયો હતો. ત્રણ પૈડાવાળી સાયકલમાં લઈ જતા પણ તે સતત ઉછળકૂદ કરતો હતો અને બોલતો હતો કે,’મારી ગાડી બહાર પડી છે મને ઘરે જવા દો.’ઉલ્ટાનું તેમણે એવા આક્ષેપ કર્યા હતા કે, જેલમાં તેને મારવામાં આવ્યો છે. જે બાબતમાં તથ્ય નહોતું.
સરખા કપડાં પહેરાવીને હેમખેમ તેને એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પહોંચાડીને અંદરના દર્દી તરીકે પરિવારની હાજરીમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં કેદી નિતેશ કુશવાહે કરેલ સ્વહિંસક વર્તન અને પોતે કરેલ ધમાલના કારણે શારીરિક ઇજા થઇ હતી.