Panchmahal
મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે કૃષિ મેળો યોજાયો
પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી સાથે મિલેટ ધાન્ય પાકો તરફ વળવા ખેડૂતોને અનુરોધ કરતા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ
લોકોમાં મિલેટ ધાન્ય પાક અંગે જાગૃતિ વધે તથા રોજીંદા જીવનમાં મિલેટ ધાન્ય પાકનો વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.મિલેટ ધાન્ય વિવિધ મિનરલથી ભરપૂર હોય છે,જે આપણા શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે.
આપણા રોજિંદા ખોરાકમાંથી લુપ્ત થતા મિલેટ ધાન્ય પાકોનો વ્યાપ વધે તેના હેતુસર સરકાર તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે હેઠળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કૃષિ મેળો યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે,દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ થકી મિલેટ પાકોનું વાવેતર કરી તેનો રોજીંદા જીવનમાં વપરાશ કરે તેમણે ખેડૂતોને ફરીવાર પરંપરાગત કૃષિ તરફ વળી સ્વાસ્થ્ય માટે સઘન પ્રયાસો હાથ ધરવા જોઈએ તથા રસાયણોથી થતા રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહવાન કર્યું હતું.
આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ,તાલુકા પંચાયત સદસ્યઓ,મકાઈ સંશોધન કેન્દ્ર,ગોધરા અને કૃષિવિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના વૈજ્ઞાનિકઓ,ખેતીવાડી શાખાના અધિકારી,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.