Vadodara

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે ડેસર તાલુકામાં જનસુવિધા અને વિકાસકાર્યોની સમીક્ષા કરી

Published

on

વડોદરા જિલ્લા માં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે સાવલી અને ડેસર તાલુકાની એક દિવસીય મુલાકાતમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને જાત નિરીક્ષણ કર્યું હતું. સવારે સાવલી ખાતે સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપ્યા બાદ તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે સાવલીના સરકીટ હાઉસ ખાતે તેમના વિભાગ સંબંધિત વિવિધ કામગીરીની સમીક્ષા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે સાવલી અને ડેસર તાલુકાના ગામોની પણ રૂબરૂ મુલાકાત લઈ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ અહીંના વિવિધ કાર્યોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો.

સાવલી સ્થિત સરકીટ હાઉસ ખાતે મળેલી સમીક્ષા સહ સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા માહિતી અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મત્સ્યોદ્યોગના મદદનીશ નિયામક, પશુપાલન અધિકારી, બાગાયત અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મંત્રીએ અધિકારીઓને જનહિતના કાર્યો અને લોકસેવા માટે હંમેશા તત્પરતા દાખવવા સૂચના આપી હતી. સમીક્ષા બેઠક બાદ મંત્રીએ સાવલી ગામે ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્થાનિક મામલતદાર તથા જિલ્લા પશુપાલન અધિકારી તેમની સાથે રહ્યા હતા. મંત્રીએ અહીં અધિકારીઓ પાસેથી ગૌશાળા સંબંધિત જાણકારી મેળવી જાત નિરીક્ષણ કર્યું હતું.

Advertisement


ત્યારબાદ રાઘવજી પટેલે પરથમપુરા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના ખેતરની મુલાકાત લઈને અન્ય ખેડૂતોનો પણ ઉત્સાહ વધાર્યો હતો. અહીંથી મંત્રી ડેસર સ્થિત નિર્માણાધીન તળાવની મુલાકાત લઈને લાભાર્થી સાથે વાતચીત કરી હતી. મદદનીશ નિયામક મત્સ્યોદ્યોગે મંત્રીની સાથે રહી તળાવ સંબંધિત તેમજ અન્ય કામગીરીથી વાકેફ કર્યા હતા. ડેસરના વરસડા ગામની ગલીઓમાં મંત્રી એક સામાન્ય નાગરિકની માફિક ફર્યા હતા. અહી તેમણે નિર્માણાધિન આંગણવાડીની મુલાકાત લીધી હતી. છેવાડાના માનવીનું હિત હૈયે વસતું હોય તેવી રાજ્ય સરકારના મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા અને નિર્માણની પ્રગતિ હેઠળના મકાનોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શ્રી પટેલે કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરીને તેમનો પ્રતિભાવ પણ મેળવ્યો હતો.

મંત્રીએ અહીં પ્રગતિ હેઠળના અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. વરસડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્માણાધીન સામૂહિક સોકપીટ અને સામૂહિક કંપોસ્ટ પીટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મંત્રીએ ડેસર ગામે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી મંત્રી સાથે રહ્યા હતા અને જરૂરી જાણકારી આપી હતી. સાંજે પટેલે ડેસર તાલુકાના વરસડા ગામે સામુદાયિક રોકાણ ભંડોળ (સી.આઈ.એફ) અપાયું હોય તેવા છ સ્વસહાય જૂથોનાં સભ્યો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે ગામના સરપંચ અને કેટલાક ગ્રામજનો સાથે ચર્ચા ગોષ્ઠી પણ કરી હતી.

Advertisement

Trending

Exit mobile version