Sports
વર્લ્ડ કપ પહેલા આ ટીમ બની હતી મોટા અપસેટનો શિકાર, વનડેની ચેમ્પિયન રહી છે
હાલમાં આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગનો ક્રેઝ ચાહકો અને ક્રિકેટરોના માથે છે, પરંતુ આ મોટી ક્રિકેટ લીગ પૂરી થતાં જ તમામ રાષ્ટ્રીય ટીમોની નજર આગામી ODI વર્લ્ડ કપ પર રહેશે. આ વખતે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે. 2023ના ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થઈ રહેલા આ વર્લ્ડ કપ પહેલા વિશ્વ ચેમ્પિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
આ ટીમને મોટો ફટકો
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝ પૂરી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમે આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. બીજી મેચમાં શ્રીલંકાને ન્યૂઝીલેન્ડના હાથે 6 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે 1996ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ શ્રીલંકાએ પણ વર્લ્ડ કપની ટિકિટ ગુમાવી દીધી છે. શ્રીલંકા લીગ તબક્કામાં સીધું ક્વોલિફાય કરી શક્યું નથી. આ રેસમાં ચાર ટીમો હતી જેમાંથી હવે શ્રીલંકા બહાર થઈ ગઈ છે.
હવે આ ટીમો રેસમાં છે
શ્રીલંકા બહાર થતાં હવે ત્રણ ટીમોને વર્લ્ડ કપના લીગ તબક્કામાં ક્વોલિફાય થવાનું બાકી છે. જેમાં દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. જો કે શ્રીલંકાની ટીમ હવે ક્વોલિફાયર રાઉન્ડમાં રમશે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 44 વર્ષ પછી એવું થશે કે શ્રીલંકાની ટીમ ક્વોલિફાયરમાં રમશે. આ પહેલા ટીમ 1979માં રમી હતી.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની આશાઓ પર પાણી ફરી વળ્યું
બંને ટીમો વચ્ચે રમાયેલી વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 2-0થી હરાવ્યું હતું. આ સાથે જ શ્રીલંકાની વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં સીધા ક્વોલિફાય થવાની આશા ઠગારી નીવડી હતી. બીજી મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ ન્યૂઝીલેન્ડે ત્રીજી મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. રમાયેલી ત્રીજી મેચમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં માત્ર 157 રન બનાવ્યા હતા. જો કે તેના જવાબમાં ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ ટીમે આ નાનકડો ટાર્ગેટ 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.