Chhota Udepur
છોટાઉદેપુરની તમામ છ તાલુકા પંચાયતમા રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યુ

છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરીઓમાં પૂરજોશમાં ચાલી રહ્યું સ્વચ્છતા અભિયાન
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જે અંતર્ગત આજે તા.૩-૧૧-૨૦૨૩ના રોજ જીલ્લા પંચાયતની કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ, ભંગારનો નિકાલ અને જુના વાહનોની હરાજી સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા એ પ્રમાણે આજે સંખેડા તાલુકા પંચાયત, નસવાડી તાલુકા પંચાયત, કવાંટ તાલુકા પંચાયત, જેતપુર તાલુકા પંચાયત, છોટાઉદેપુર તાલુકા પંચાયત, બોડેલી તાલુકા પંચાયતની અધિકારીઓ સિનિયર કલાર્ક સહિતના કર્મચારીઓ દ્વારા વહીવટી શાખાનું રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત દ્વારા કાઢવામાં આવતા આવકના દાખલા સહિતના દસ્તાવેજોની ફાઇલો તથા વિવિધ શાખાના કર્મચારીઓએ રેકર્ડ વર્ગીકરણ કરીને દિવાળીના તહેવાર પહેલાં કચેરીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. કોઇપણ ફાઇલ સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે વર્ગ અને વર્ષવાઇઝ ફાઇલોનું વર્ગીકરણ કરીને ગોઠવણી કરવામાં આવી હતી. જેનાથી કામની ઝડપ પણ વધશે અને ભવિષ્યમાં જરૂરીયાત મુજબની ફાઇલો સરળતાથી મેળવી શકાશે. આમ જીલ્લાના તમામ છ તાલુકાઓમાં પંચાયતોની સ્વચ્છ ભારત મિશન યોજના, મનરેગા યોજના, મિશન મંગલમ યોજના વગેરે જેવી યોજનાઓના રેકર્ડ વર્ગીકૃત કરી સફાઈ અભિયાનને વધારે વેગ મળે એ પ્રયાસ આદર્યો છે.