Surat
સુરત ભાજપના પત્રિકાકાંડમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર કર્યા

સુનિલ ગાંજાવાલા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને ભાજપના અન્ય નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ કરી બદનામ કરવાના મામલે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દીપુ, ખુમાન પટેલ અને રાકેશ નામના ઇસમોની ધરપકડ કરી હતી.રાકેશ નામનો ઈસમ ભાજપના નેતા ગણપત વસાવાની નજીકનો માનવામાં આવે છે.
તો ચૂંટણીફળના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થઈ હતી અને આ મામલે પોલીસે જે ત્રણ આરોપીને પકડ્યા હતા તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો પોલીસ તરફથી આરોપીના ચાર દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે આરોપી સાથે કોની કોની સંડોવણી છે અને વધુ તપાસ માટે આરોપીના મોબાઇલ કબ્જે કરી મોબાઇલની ચકાસણી તેમજ આરોપીઓ દ્વારા લેપટોપમાંથી જે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો તેને લઈને તપાસ કરવા માટે ચાર દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આરોપી પક્ષના વકીલો દ્વારા આરોપી પર જે કલમો હેઠળ ગુના દાખલ થયા છે તે તમામ જામીનલાયક હોવાની દલીલો કરાઈ હતી અને આ દલીલોના અંતે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને 10,000ના બોન્ડ પર જામીન મુક્ત કર્યા છે.