Business
એમેઝોનને મળ્યો ઝટકો…’શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે મીઠાઈઓ વેચવા બદલ મળી CCPAની નોટિસ

દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAએ ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે મીઠાઈઓ વેચવા બદલ કંપનીને નોટિસ ફટકારી છે.
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે CCPAએ નોટિસ જારી થયાના 7 દિવસની અંદર એમેઝોન પાસેથી જવાબ માંગ્યો છે. નહિંતર, તેમની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની જોગવાઈઓ હેઠળ જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ચીફ કમિશનર રોહિત કુમાર સિંહની આગેવાની હેઠળના CCPAએ ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ નામથી WWW.Amazon.in પર મીઠાઈના વેચાણના સંબંધમાં Amazon Seller Services Private Limited સામે કાર્યવાહી શરૂ કરી છે.
CAIT એ ફરિયાદ કરી હતી
વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રિપોર્ટના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એમેઝોન ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ની આડમાં મીઠાઈના વેચાણ સાથે સંબંધિત ભ્રામક વેપાર પ્રવૃત્તિઓમાં સામેલ છે. CCPA એ અવલોકન કર્યું છે કે એમેઝોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વિવિધ મીઠાઈઓ/ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે જે ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ હોવાનો દાવો કરે છે.
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રતિમાનું અનાવરણ
અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિનું અનાવરણ 22 જાન્યુઆરીએ થનારી ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના ત્રણ દિવસ પહેલા શુક્રવારે (19 જાન્યુઆરી) કરવામાં આવ્યું હતું. કાળા પથ્થરથી બનેલી આ મૂર્તિની આંખો પર પીળું કપડું બાંધવામાં આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના અધિકારી શરદ શર્માએ પીટીઆઈને જણાવ્યું કે રામલલાની મૂર્તિની આંખો પર પીળું કપડું બાંધવામાં આવ્યું હતું અને મૂર્તિને ગુલાબનો હાર પહેરાવવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદે રામલલાની મૂર્તિની તસવીર જાહેર કરી અને આ મૂર્તિ સ્થાયી મુદ્રામાં છે.