Chhota Udepur
આંબાખુંટ ગામે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપુર
( પ્રતિનિધિ કાજર બારીયા)
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના આંબાખુંટ ગામે શ્રી હનુમાનજી મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ભાથીજી મહારાજ, રામદેવજી મહારાજ તેમજ માઁ અંબેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આંબાખુંટ ગામ ખાતે બે દિવસીય ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આજરોજ બે દિવસના મહોત્સવનાં પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઊમટ્યા છે. આજે પ્રથમ દિવસે આંબાખુંટ માં જળયાત્રાનું તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા આંબાખુંટના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી.
મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં રવિવારે રાત્રે બાલાશિનોરથી પ્રખ્યાત ડખરીયા નકળંગ ધામથી પરમ પુજ્ય મુકેશગીરી બાપુ પધારવાના છે. આ મહોત્સવને લઇને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો રામી રાસ ગરબાની ધૂમ મચાવશે.
આંબાખુંટ ગામે નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બે દિવસીય કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે મહાયજ્ઞનો પ્રારંભ થશે તેમજ મહારાજ, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કરશે.
આંબાખુંટ ગામના રમેશભાઈ (જેતા ભગતે) જણાવ્યું હતું કે, આ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી એક મહિના અગાઉથી કરવામાં આવી રહી હતી. ત્યારે આંબાખુંટ ગામનાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે દિવસનાં આ કાર્યક્રમને લઈને સ્થાનિક લોકો કહીં રહ્યા છે કે, આંબાખુંટ ગામમાં જન્મ લેવો ધન્યની વાત છે. અનેક પૂણ્ય કર્યા હોય ત્યારે આ ગામમાં જન્મ મળે છે.
વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ભાથીજી મહારાજ, રામદેવજી મહારાજ તેમજ માઁ અંબેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું વર્ષો પહેલા વિચારવામાં આવ્યું હતું. આજે બે દિવસીય મહોત્સવ અંતર્ગત સમસ્ત ગ્રામજનો એક જ મંડપમાં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરશે. જ્યાં સમસ્ત લોકો મહોત્સવને દીપાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.