Editorial
અમીએ પોતાના કુમળા હાથમાં રહેલો ખોબા જેવડો ગલ્લો (પીગી બેંક) બતાવતાં કહ્યું, ” લે અંબા !
મહેંકી ઉઠી માનવતા
અમી માંડ ચાર વષૅની અને બાલમંદિરમાં ભણતી હતી, તે પોતાની ઉંમર કરતાં જરાક વધું હોશિયાર હતી કદાચ ઈશ્વરની દેન હશે. વગૅમા ભણતાં બધા બાળકો કરતાં તે અલગ જ તરી આવતી. દાણા ચણતાં પંખીઓના ટોળામાં પોપટ તરત અલગ તરી આવે એમ અમી પણ પોતાની હોશિયારી અને સ્વચ્છ સુઘડ કપડાંમાં નોખી જ દેખાતી. દેખાવમાં હંમેશા તૈયાર ને તૈયાર જ રહેતી તે કોઈ ફૂલપરી જેવી લાગતી હતી. એટલી નાની ઉંમરે પણ તેની સમજણ ખરેખર કોઈ મોટા સમજદાર માણસને શરમાવે તેવી હતી. અરે ! એની સાથે ભણતા છોકરાં માંડ કક્કાના મૂળાક્ષરો ઓળખતા હતા જ્યારે અમી તો કડકડાટ વાંચતી હતી.
અમી જે શેરીમાં થઈ બાલમંદિરે જતી ત્યાં એક બાર તેર વર્ષની ગરીબ જેવી લાગતી છોકરીનું ઘર હતું. એનું નામ અંબા હતું. તે આવતાં જતાં અમી સાથે વ્હાલથી હસતી બોલતી. એમ કરતાં કરતાં બન્ને વચ્ચે ઓળખાણ થઈ અને બન્ને બહેનપણીઓ બની ગઈ, અમી જોતી કે અંબા જ્યારે હોય ત્યારે કોઈ ન કોઈ કામ જ કરતી હોય ! તે અંબાને પોતાની સાથે રમવા આવવાનુ કહેતી તો તે ” મારે તો ઘણું કામ છે.” એમ કરી વાત ટાળી દેતી અને રમવા ન આવતી. એકવાર અમીએ કારણ પુછ્યું તો ખબર પડી કે અંબાની માંને છેલ્લા સ્ટેજ નું કેન્સર છે અને એના બાપુ છૂટક મજુરી કરી ગુજરાન ચલાવે છે.
બીજા દિવસે રવિવાર હતો. અમી સવાર સવારમાં જ પીઠ પાછળ કંઈક સંતાડી અંબાના ઘરે આવી. અંબા તેને જોઈ તરત જ પુછ્યું, ” અમી આજે તો બાલમંદિરમાં રજા છે. કેમ આવી ? અને પાછળ શું છુપાવી લાવી છે ? ”
અમીએ પોતાના કુમળા હાથમાં રહેલો ખોબા જેવડો ગલ્લો (પીગી બેંક) બતાવતાં કહ્યું, ” લે અંબા ! આમાંથી જેટલા જોઈએ એટલા રૂપિયા લઈ તારી માં નો ઈલાજ કરાવ, એ સાજી થઈ જશે પછી તું પણ મારી સાથે ભણવા આવજે બરાબર ? આપણે ખૂબ બધી રમતો પણ રમીશું અને તારે આટલું બધું કામ પણ નહીં કરવું પડે.”
અમીના હાથમાં રહેલા ગલ્લામાં રૂપિયા ક્યાં વધારે હતાં જેનાથી અંબાની માં નો ઈલાજ થઈ શકે ? પણ એનો મદદ કરવાનો ભાવ લાખો રૂપિયે પણ આંકી શકાય એમ નહોતો. અમી જેવાં સજ્જનો આમ રસ્તામાં કે શેરીમાં મળે ખરા ?
લેખક : વિજય વડનાથાણી