Chhota Udepur
છોટાઉદેપુર વિસ્તારોની વન્ય પેદાશો પૈકી નું અમૃત જેવું મીઠું ફળ એટલે સિતાફળ.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ઠંડીની મોસમ શરૂ થતાં જ અહિં નાં વન્ય પેદાશો પૈકીના અંડુરા નાં ફળ બજારોમાં વેચાવા માટે આવવા માંડતા હોય છે
છોટાઉદેપુર તાલુકાના દેવહાટ, અંબાલી,ચિલીયાવાટ,રંગપુર સઢલી,બોડગામ,ભોરદલી તેમજ કવાંટ ના રાજાવાટ,પલાસકુવા, ઘટોલ, પાવીજેતપુર તાલુકાના અંબાખૂટ, કુંડલ, મોતીપુરા, પાણીબાર, કવાંટ તાલુકાના માણકા,છોડવાણી,આંબાડુંગર,મોગરા, પડવાણી અને નસવાડી ના દુગ્ધા તથા મધ્યપ્રદેશના કઠઠીવાડા,મથવાડ સહિત ગુજરાત સરહદી મધ્યપ્રદેશ ના ડુંગરાળ વિસ્તારોમાં ભરપૂર માત્રામાં ઉત્પાદન જોવા મળે છે ,આ વિસ્તારમાં થતાં સિતાફળ ની વડોદરા અમદાવાદ સુરત સહિત છેક કચ્છ-કાઠીયાવાડ ઉપરાંત રાજસ્થાન સહિતમાં પણ ભારે માંગ રહેતી હોય છે.
અહીં ના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા ના જણાવ્યા અનુસાર અહીં ના ડુંગરાળ વિસ્તારમાં થતાં સિતાફળ સ્વાદ માં ખુબ જ મિઠા અને આરોગ્ય પ્રદ હોય છે, અહીં ના વિસ્તારોમાં તેને અંડુરા કે અનુરા તરીકે ઓળખવામાં આવે છે.
નવાઈની વાત એ છે કે અહીં ના ડુંગરાળ વિસ્તાર ના સિતાફળ એ હદે વખણાય રહ્યા છે કે ધંધા રોજગાર કે છોટાઉદેપુર જિલ્લામાં નોકરી કરતા લોકો પાસે થી બહાર ના લોકો છોટાઉદેપુર વિસ્તારના અડુંરા (સિતાફળ) ની પેટી કે ટોપલી ની ગીફ્ટ માંગતા થઇ ગયા છે..! અને સિતાફળ પાક્યા કે નહીં..!? સિતાફળ ક્યારે મોકલાવશો..!!?
અહીં પાકતા સિતાફળને કોઈ પણ પ્રકારની દવાઓ ખાતર કે અન્ય રીતે છેડછાડ કર્યા વગર બિલકુલ કુદરતી રીતે જ પકવવામાં આવે છે જેથી ખુબ સ્વાદિષ્ટ હોય છે. અહીં ના ડુંગરાળ વિસ્તારમાં થતાં અંડુરા સિતાફળ ભાવ વીસ કિલો ના ૧૫૦ થી લઈને ૩૦૦ સુધી નો હોય છે જે વીસ થી પચ્ચીસ કીલો ની પેટીઓ માં પેકિંગ કરી ને વહેલી પરોઢે છોટાઉદેપુર તથા ટ્રક-ટેમ્પા માં વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ના બજારોમાં વેચાણ કરવા આવતાં હોય છે.
વડીલો પાસેથી મળતી જાણકારી મુજબ નહીંવત આરોગ્ય સેવાઓ મળતી તેવા પહેલા ના સમયે અંડુરા (સિતાફળ)નો ઉપયોગ ખાવા ઉપરાંત ગાય, ભેંસ ,બળદ કે બકરી ને જ્યારે કોઈ પણ પ્રકારનો ઘા કે ચાંદા- ગુમડાં નિકળ્યા હોય ત્યારે અને માણસો માં પણ શરીર પર વાગેલા ઘા કે ચાંદા ગુમડાં ને રુઝવવા કાચા અંડુરાને પથ્થર પર ઘસીને તેનો માવો તૈયાર કરીને લેપ કરવામાં આવતો,આમ અંડુરાની અંદર ઔષધિય ગુણો પણ ભરપૂર માત્રામાં રહેલા છે.
અહીં માલીકીની જમીનમાં થતાં અંડુરા ને પોતાની રીતે વેચીને કમાણી કરતા હોય છે ,જ્યારે ગામતળની પડતર જમીન કે જંગલમાં જ આપમેળે ઉગી નીકળેલ અંડુરા નુ ગામ લોકો સૌએ સાથે મળીને લાખો રૂપિયા નુ ભંડોળ એકત્ર કરવામાં આવે છે, જેથી ગામ- ફળિયા ના લોકોએ તેને સામુહિક રીતે સાચવણી કરી ને જે પણ ઉત્પાદન થાય તેને ગામ-ફળીયા ની મંડળીઓ બનાવી ને ગામ ના જરુરીયાત મંદ લોકો ને વાવણી વખતે આર્થિક જરૂરિયાતો જેવી કે બિયારણ અને ખાતર -દવા ઓ લેવા માટે ખાસ જરૂરી હોય તેવા સમયે ધિરાણ આપવામાં આવે છે,આમ અંડુરાની આવક માંથી ખેતી કરવા ઉપરાંત કોઈ આકસ્મિક ઉભી થયેલી જરુરીયાત વખતે પણ મંડળીમાં થી લોન પેટે લેતા હોય છે અને ગામ ના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય તે પ્રમાણે ઉપયોગ કરતા હોય છે.આમ અંડુરા અહીં ના ડુંગરાળ વિસ્તારના લોકો માટે આ સિઝનમાં આજિવિકા નુ સાધન બની રહે છે, છોટાઉદેપુરના જંગલોમાં પ્રાકૃતિક રીતે થતાં અંડુરાનો સ્વાદ એ અન્ય વિસ્તારના લોકો ને પણ આકર્ષિત કરે છે.