Chhota Udepur
બોડગામે એક ઘરમાંથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીની ધરપકડ

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- ગેરકાયદેસર પ્રવૃતિ પર રંગપુર પોલીસની બાજ નજર
છોટાઉદેપુર જિલ્લાના બોડગામના એક ઘરમાંથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો છે. રંગપુર પોલીસે તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર સરહદી જિલ્લો છે, અહીંયા પર પ્રાંતમાંથી ગુનાખોરી કરવા માટેનો રસ્તો ખુબજ આસાન છે. એટલે દારૂ, તમંચા જેવાં ગુના અવારનવાર બનતા રહે છે. આવોજ એક ગુનો સરહદી ગામ બોડગામ ખાતેથી ઝડપી પાડ્યો છે. રંગપુર પોલીસની ટીમ રંગપુર પંથકમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એક હાતલીયાભાઈ હિમતાભાઈ રાઠવા પોતાના મકાનમાં લાયસન્સ વગરનો તમંચો રાખે છે.
તેવી બાતમી મળતાં બોડગામના વાસ્કલી ફળિયામાં રહેતા હાતલીયાભાઈ હિમતાભાઈ રાઠવાના ઘરે રંગપુર પોલીસની ટીમે દરોડો પાડતા હાતલીયાભાઈ હિમતાભાઈ રાઠવા ઘરે હાજર મળી આવ્યા હતા. તેઓને સાથે રાખીને ઘરની ઝડતી તપાસ કરતા મકાનની ઉપરના ભાગે આવેલ માળિયાના ભાગે પ્લાસ્ટીકની થેલીમા રાખેલ ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરનો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. રંગપુર પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ વગર રાખવાના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં હાતલીયાભાઈ હિમતાભાઈ રાઠવાને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.