Kheda
આણંદનો પશુપાલક અમૂલમાં ગુણવતા વગરનું દૂધ ભરતા પકડાયો, ચાર જ ભેંસ હોવા છતા એક હજાર લીટર દૂધ ભરતો
ચેરમેન દ્વારા પોલીસ ફરિયાદના આદેશ અપાયોદૂધ ભરવામાં ગોલમાલ:આણંદનો પશુપાલક અમૂલમાં ગુણવતા વગરનું દૂધ ભરતા પકડાયો, ચાર જ ભેંસ હોવા છતા એક હજાર લીટર દૂધ ભરતો
ચેરમેન દ્વારા પોલીસ ફરિયાદના આદેશ અપાયો.
આણંદ સ્થિત અમૂલ ડેરીમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1200 મંડળીમાંથી દૂધ આવે છે. આશરે હજાર ગામડાના સાત લાખ પશુપાલકો દૂધ ભરે છે. પરંતુ તેમાં કેટલાક ભેળસેળ યુક્ત અથવા ગુણવત્તા વગરનું દૂધ ભરતા હોવાની ફરિયાદો આવતા શુક્રવારના રોજ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મહેમદાવાદના રૂદણ ગામે પશુપાલકને ત્યાં તપાસ કરતાં ફક્ત ચાર પશુ હોવા છતાં એક હજાર લીટર દૂધ ભરતો હોવાનું ખુલ્યું હતું. આથી, તે ગુણવત્તા વગરનું દૂધ ભરતો હોવાની શંકા આધારે તેની સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ અમુલના નવનિયુક્ત ચેરમેન વિપુલભાઈ પટેલ (ડુમરાલ)એ જણાવ્યું હતું કે, મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામમાં રહેતા રાજુ લાલજી રબારી છેલ્લા કેટલાક સમયથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેના તબેલામાં ફક્ત ચાર જ પશુ છે, આમ છતાં તે દરરોજ એક હજાર લીટર દૂધ ભરતો હતો. આ અંગે જાણવા મળ્યું હતું કે, રાજુ રબારી ઓછી ગુણવત્તા વાળું અને ભેળસેળવાળુ દૂધ ડેરીમાં ભરી રહ્યો છે. આથી, વોચ ગોઠવીને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજુ રબારી ઓછી ગુણવત્તાવાળુ અને ભેળસેળવાળુ દૂધ ભરતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, તેનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી છે.
વધુમાં ચેરમેન વિપુલભાઈએ જણાવ્યું હતું કે, અમૂલના દૂધની ગુણવત્તા બાબતે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. ગરીબ અને નાના પશુપાલકો ઘાસચારો લાવીને પોતાની જાત ઘસીને ગુણવત્તાવાળુ દૂધ ડેરીમાં ભરે છે. જેમને અન્યાય નહીં થાય. આથી, ઓછી ગુણવત્તાવાળુ તેમજ ભેળસેળ વાળું દૂધ ભરતા પશુપાલકો કે સભ્યોને બક્ષવામાં નહીં આવે. તેમની વિરૂદ્ધ કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..