Chhota Udepur
પરીક્ષા દેવા જતાં વિદ્યાર્થીઓને બસની અનિયમિતતાથી રૂટ બંધ થતાં વિદ્યાર્થીઓમાં રોષ

છોટાઉદેપુર થી ધોરિસામલ કુંડલ બાર ડુંગરવાંટ જેતપુરપાવી જતી એસ.ટી બસનું ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી કરતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
છોટાઉદેપુર થી ધોરિસામલ કુંડલ બાર ડુંગરવાંટ જેતપુરપાવી જતી એસ.ટી બસનું અનિયમિતતાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે.આ રૂટ પર બસ ન આવતા જેતપુરપાવી તરફ જતાં વિદ્યાર્થીઓ અને લોકોને વધારાના ભાડા ખર્ચીને ફરજિયાત છોટાઉદેપુર, જેતપુરપાવી જવું પડે છે ત્યારે આ અંગે તંત્રને અનેક રજુઆતો કરવા છતાં અનિયમિતતા થી દોડતી એસ.ટી.બસના કારણે લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ધોરીસામલ, કુંડલ, આંબાખૂટ, બાર સહિતના વિસ્તારોમાં આશરે ૪૦ થી ૫૦ હજારની વસ્તી વસવાટ કરે છે.આ વિસ્તારોના હજારો લોકો મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ તરીકે એસ.ટી.માં મુસાફરી કરે છે. ત્યારે મુસાફરોને છોટાઉદેપુર થી કુંડલ જેતપુરપાવી તરફ જતી -આવતી એસ.ટી.બસનો લાભ મળે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારોના લોકો ઉપર જાણે એસ.ટી.તંત્રની નજર ન પડતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જેના કારણે આ રૂટના મુસાફરોને કાગડોળે એસ.ટી.બસની રાહ જોઇને ખાનગી વાહનોના સહારે મુસાફરી કરવી પડે છે. આ ઉપરાંત બસની અનિયમિતતા થી આ રૂટો ઉપર આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ અર્થે અપડાઉન સહિત હજારો મુસાફરો પોતાના કામ અર્થે છોટાઉદેપુર, જેતપુરપાવી તરફ આવ-જા કરે છે. આમ જો આ રૂટ પર એસ.ટી.બસો પસાર કરવામાં આવે તો ૧૫ ગામોના આવતા વિદ્યાર્થીઓ-મુસાફરોને બસનો પુરો લાભ મળે અને એસ.ટી.ને પણ આર્થિક ફાયદો થાય છે.
આ અંગે ચેતનભાઈ રાઠવા સહિતના અનેક મુસાફરોએ જણાવ્યું કે, આ વિસ્તારના રૂટ પર એક જ એસ.ટી.તંત્રે ફાળવેલી જે બસ આવવી જોઇએ તે રેગ્યુલર આવતી નથી. આ રૂટ પર રેગ્યુલર બસ ચાલુ રાખવા માટે તંત્રને અનેક રજુઆતો કરવા છતાં બસ ન આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો પરેશાન બન્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ રૂટો પર બસ પસાર કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગામના લોકો દ્વારા પોતાના ગામમાં સમયસર બસ આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
*કોઈ કારણોસર એસ.ટી.બસના મહિનામાં ચાર થી પાંચ દિવસ રૂટ કેન્સલ થતા હોવાથી વિદ્યાર્થી કામ તેમજ અભ્યાસ અર્થે આવતા બસના રૂટ ફેરફાર થતા બસો ન મળતા એસ.ટી.તંત્ર સામે વાલીઓમાં રોષ ઠાલવતાં જોવા મળ્યા હતા. એસ.ટી બસના રૂટ વારંવાર કેન્સલ થતા વિદ્યાર્થીઓ અને તાલુકાએ જતાં લોકો રઝળી પડતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. *
તંત્ર ક્યારે જાગશે
એસ.ટી બસના રૂટ કેન્સલ થતા લોકોને પડતી હાલાકીને લઈને તંત્રને રજૂઆત કરાઈ હતી. તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આખરે તંત્ર ક્યારે જાગશે અને લોકોને પડતી સમસ્યાનો નિકાલ ક્યારે લાવશે ? છોટાઉદેપુર જિલ્લામાં બસની સમસ્યાઓ સાથે રોડ રસ્તાઓની હાલત પણ ખરાબ છે. ખરાબ રોડને કારણે અનેકવાર લોકો અકસ્માતનો પણ ભોગ પણ બન્યા છે