Chhota Udepur
પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બને તે માટે પશુપાલન શિબિર યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર થી નજીક આવેલા છોટાઉદેપુર તાલુકાના દેવલિયા શ્રી પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પશુપાલકોને પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે કરી વધુ નફાકારક બને તે માટે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર, જિલ્લા પંચાયત છોટાઉદેપુર તેમજ પશુ ચિકિત્સાલયના તબીબો ની ટીમ દ્વારા પશુપાલનની યોગ્ય માહિતી આપવા હેતુસર પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુધાળા પશુઓનું કેવી રીતે પાલન કરવું અને દૂધ કેવી રીતે વધે તથા પશુઓમાં થતા વિવિધ રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે શિબિરમાં હાજર તમામ પશુપાલકોને પશુપાલન વ્યવસાય નફાકારક બનાવવા વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ શિબિરમાં દેવલીયા તેમજ તાલુકાના અન્ય ગામમાંથી મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા નાયબ પશુપાલન નિયામક, પશુ ચિકિત્સક છોટાઉદેપુર, પશુધન નિરીક્ષક, છોટાઉદેપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ, દેવલીયા તેમજ રોજકુવાના સરપંચ ઉપસ્થિત રહી પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.