Chhota Udepur

છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થિનીઓનું બીજું ઘર એટલે કન્યા નિવાસી શાળા

Published

on

પ્રતિનિધી, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લો એ રાજ્યની બિલકુલ સરહદે આવેલ જિલ્લો છે. અહીં દરેક આદિવાસીઓ મોટાભાગે જિલ્લા બહાર કામ-મજૂરી અર્થે નીકળી પડતા હોય છે. કોઈ આદિવાસી તહેવાર અથવા તો ખેતી કરવાના સમય પૂરતા તેઓ ઘર તરફ આવતાં હોય છે આવી સ્થિતિ સમયે તેઓ એમના બાળકોનું અને બાળકોના ભણતરનું ધ્યાન રાખી શકતા નથી. આદિવાસી વિસ્તાર માં અને સમાજમાં દીકરાઓને વધુ મહત્વ અપાય છે જ્યારે દીકરીઓને ફકત ઘરકામ કરવા બાજુ ધ્યાન આપવા ભાર મૂકવામાં આવે છે. તેઓના અભ્યાસ પાછળ જોઈતું ધ્યાન આપવામાં આવતું નથી. આદિવાસી સમાજની અજ્ઞાનતા અને નિરક્ષરતાને જડમૂળથી કાઢી નાખવા સરકારે ફકત આદિવાસી કન્યાઓ માટે નિવાસી શાળાઓનું નિર્માણ કર્યું. જેથી કરીને આદિવાસી દીકરીઓ પોતાનો અભ્યાસ સરળતાથી કરી શકે છે. આવી જ એક શાળા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામ એવા ભીખાપુરા ગામે આવેલી છે.

Advertisement

આ શાળામાં ફકત આદિવાસી દીકરીઓ જ અભ્યાસ કરી શકે છે. આદિવાસી દીકરીઓને પોતાના સપનાંઓ સાકાર કરવાનું જોઈતું પ્લેટફોર્મ જી એલ આર એસ પૂરું પાડે છે. અહીં કોઇપણ પ્રકારની ચિંતા વગર વિદ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ કરી શકે છે. અહીં સીસીટીવી કેમેરા, ૨ સમય સ્વાસ્થ્ય વર્ધક જમવાનું અને સવાર-સાંજ એમ નાસ્તો પણ ૨ સમય અપાય છે જેમાં દિવસદીઠ અલગ અલગ મેનુ રાખવામાં આવેલું છે જેમાં દાળ ભાત, કઠોળ, વિવિધ શાકભાજી, સલાડનો પણ આપવામાં આવે છે.

શાળામાં ઇમરજન્સી ફર્સ્ટ એડ બોક્સ, ફાયર સેફટીના સાધનો તેમજ દર મહિને નજીકના સરકારી પીએચસી માંથી વિદ્યાર્થિનીઓના મેડીકલ ચેકઅપ માટે એક ટીમ આવે છે. જેથી આ દરેક વિદ્યાર્થિનીઓની સ્વાસ્થ્ય સંબંધી ચિંતા પણ માતાપિતાએ કરવાની રહેતી નથી. અહીં ધોરણ ૬ થી ૧૦ સુધીનો સમગ્ર અભ્યાસ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે. આ નિવાસી શાળામાં અત્યારે કુલ ૨૯૪ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. રહેવા, જમવા, મેડિકલ, પર્યટન, સ્પોર્ટ્સ, શાળા યુનિફોર્મ,રમત ગમત યુનિફોર્મ, પુસ્તકોનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં સોલાર સિસ્ટમથી વિદ્યાર્થિનીઓને ગરમ પાણી પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.

Advertisement

દરેક વિદ્યાર્થિની ભણતરની સાથોસાથ સ્પોર્ટ્સમાં પણ આગળ રહે છે. જેમાં જિલ્લા અને તાલુકા લેવલે દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછી ફેંક સ્પર્ધામાં પણ તેઓએ શાળાની નામના વધારી હતી.

આ કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પ્રાર્થના હૉલ, મેડિકલ રૂમ, કોમ્પ્યુટર રૂમ, વેઇટિંગ રૂમ અને સ્પોર્ટ્સ રૂમની પણ આધુનિક વ્યવસ્થા છે તેમજ અભ્યાસમાં નબળી વિદ્યાર્થિનીઓ માટે સવારના પહોરે ૭:૪૦ થી ૮:૪૦ સુધી એક કલાકનો વર્ગ અલગથી લેવામાં આવે છે આ ઉપરાંત રાત્રે ૨ કલાક રાત્રી વાંચન પણ કરાવવામાં આવે છે. સવારે યોગા અને સાંજે રમત ગમતની પ્રેક્ટિસ બહારથી આવેલ સ્પેશ્યલ ટ્રેનર દ્વારા કરવામાં આવે છે. વિવિધ તહેવારની ઉજવણી કરવી અને ગામમાં જઈને લોકજાગ્રતિ અંગેના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓએ ૨૦૨૨-૨૩ માં હર ઘર તિરંગા નિમિતે યોજવામાં આવેલ ચિત્ર સ્પર્ધા અને સાંસદ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

Advertisement

દરેક શિક્ષક દ્વારા પૂરો સપોર્ટ અપાય છે તેઓ અમને તકલીફ પડવા દેતા નથી. કોઈપણ પ્રકારની ચિંતા અમારા માતાપિતાને નથી કરવી પડતી. અહીં બધી સગવડો મફતમાં મળે છે. એમ વિદ્યાર્થિની ઓએ કહ્યું હતું.

માતાપિતા ફકત ખેતી પર નિર્ભર હોવાથી આર્થિક રીતે સધ્ધર હોતા નથી આવી પરિસ્થિતિમાં તેઓ બાળકોને ભણાવી શકતા નથી. આવી સ્થિતિ જોતાં સરકાર દ્વારા આ નિવાસી શાળાઓ શરૂ કરાતાં આદિવાસી માતાપિતાને છોકરીઓની પ્રત્યેની ચિંતા હવે નથી રહી.

Advertisement

અહીં અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થિની ઓને વિનામૂલ્યે અભ્યાસ, રહેવા, જમવાની સાથે દર મહિને ૧૦૦ રૂ સ્ટાઈપેન્ડ તરીકે પણ આપવામાં આવે છે જે તેઓને પોતાના અન્ય વ્યક્તિ ગત ખર્ચ માટે મદદરૂપ નીવડે છે ઉપરાંત તેઓ આગળ જતાં પાછી પાની કરે નહિ એ રીતે તાલીમ આપવામાં આવે છે એમ પ્રિન્સિપાલ મહેશ જેસડીયાએ જણાવ્યું હતું

  • આદિવાસી દીકરીઓના ભણતર સાથે સપનાં સાકાર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડતી સરકારી કન્યા સાક્ષરતા નિવાસી શાળા
  • સીસીટીવીની અને સ્ટાફગણની નિગરાની હેઠળ પોતાનું ભવિષ્યને કંડારતી વિદ્યાર્થિનીઓ

Trending

Exit mobile version