National
એન્ટી કરપ્શન બ્યુરોએ આ સરકારી અધિકારીના ઘરે પાડ્યા દરોડા, લગભગ 100 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત
તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ 100 કરોડની કથિત સંપત્તિ સાથે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે. બ્યુરોના અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA) સેક્રેટરી અને મેટ્રો રેલના પ્લાનિંગ ઓફિસર એસ બાલકૃષ્ણના પરિસરમાં એક સાથે દરોડા પાડ્યા હતા.
બાલકૃષ્ણ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાની 14 ટીમો દ્વારા આખો દિવસ સર્ચ ચાલુ રહ્યું હતું અને આજે ફરી શરૂ થવાની શક્યતા છે.
એન્ટી કરપ્શન બ્યુરોએ એક સાથે બાલકૃષ્ણના ઘર, ઓફિસ અને તેમના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા છે. જેમાં 100 કરોડથી વધુની મિલકત રિકવર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, જંગમ-અચલ સંપત્તિના દસ્તાવેજો, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી.
બ્યુરોએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીના અધિકારીઓને અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના અહેવાલ છે. આરોપ છે કે તેણે હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફરજ બજાવ્યા બાદ કથિત રીતે સંપત્તિ મેળવી હતી. ચાલુ સર્ચમાં વધુ પ્રોપર્ટી બહાર આવવાની શક્યતા છે.