Ahmedabad
ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીમાં અક્ષય તૃતીયા પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનને કરાયો ચંદનનો કલાત્મક શણગાર…
ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. હિન્દુ સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોનું વિશેષ મહત્વ છે. વ્રત અને તહેવારો નવી પ્રેરણા અને સ્ફુર્તિનું સંવહન કરે છે, તેનાથી માનવીય મૂલ્યોની વૃધ્ધિ થાય છે અને સંસ્કૃતિનું નિરંતર પરિપોષણ તથા સંરક્ષણ થાય છે. ભારતીય મનીષિયોએ વ્રત-૫ર્વોનું આયોજન કરીને વ્યક્તિ અને સમાજને ૫થભ્રષ્ટ થવાથી બચાવ્યા છે. અક્ષયતૃતીયાનું ૫ર્વ વસંત અને ગિષ્મના સંધિકાળનો મહોત્સવ છે.
વૈશાખ સુદ ૩ ને ગુજરાતીમાં વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતીયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે. આ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહૂર્ત જોવું નથી પડતું.
અખાત્રીજનો દિવસ સામાજીક ૫ર્વનો દિવસ છે.
શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાએ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથિ છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે. તેથી, અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો ધંધો, ધાર્મિક વિધિ અને પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે.
આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ સાથે સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયા સાથે કરવામાં આવી છે. અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર ગ્રીષ્મ ઋતુ – વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજને નીલકંઠવર્ણી વેશે ચંદનના વાઘાના શણગાર સજાવવામાં આવ્યા હતા.
ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મોટેરા સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખ સુદ ત્રીજ – અખાત્રીજના પવિત્રતમ દિવસે તથા પૂજનીય સંતોએ ચંદનનાં કલાત્મક વાઘા – શણગાર ધરાવવામાં આવ્યા હતા.
વૈશાખ સુદ ત્રીજ – અક્ષય તૃતીયાના પવિત્રતમ દિને ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીની મોટેરા સંતોએ આરતી ઉતારી હતી. પૂજનીય સંતોએ દર્શન, સ્તુતિ – પ્રાર્થના તથા કીર્તન સ્તવન કર્યું હતું.
આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે સારા વિશ્વમાં શાંતિ વર્તે. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન અને યુટયુબ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં હતાં.