Gujarat
ગાય સહાય યોજના હેઠળ ૨૫૭૩ ખેડૂતોને રૂ.૫૪૯.૮૬ લાખની સહાય
રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ઝેરમુક્ત ખેતી એ સમયની માંગ છે.વડોદરા જિલ્લામાં પણ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમ્યાન પશુધન ધરાવતા ના હોય તેવા ૨,૫૭૩ જેટલા ખેડૂતોને કુલ.રૂ. ૫૪૯.૮૬ લાખની સહાય મળી છે.
વડોદરા જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ૩૨,૧૬૯ કરતા વધુ ખેડૂતો ૨૯,૯૮૨ એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફ.પી.ઓ થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારાઓ જોવા મળી રહ્યો છે.
આટલું જ નહિ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્રો અને એફ.પી.ઑ. પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે.