Chhota Udepur
જેતપુરપાવી તાલુકાનાં કુંડલ ગામે સાંસદ અને ધારાસભ્યના હસ્તે ડામર રોડનું ખાત મુહૂર્ત
(પ્રતિનિધિ કાજર બારીયા)
જેતપુરપાવી તાલુકાના કુંડલ ગામે વચલીભિંત મોટીખાંડી બાર રોડ, કુંડલ એપ્રોચ રોડ, ભિખાપુરા બોરકંડા રોડ, મુવાડા ગણેશ ફળિયા રોડ, વડોથ એપ્રોચ રોડ આ રસ્તાઓ માટે બે ત્રણ વર્ષથી રોડના નવીનીકરણ માટેની રાહ જોતા ૪૦ જેટલાં ગામડા ગ્રામજનોની આતુરતાનો અંત આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે આ રસ્તાઓનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, મોટીબેજ જિલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન રાઠવા, પુર્વ તાલુકા પ્રમુખ નવલસિંહ રાઠવા, સરપંચો વિગેરે ખાસ જોડાયાં હતાં.
તાલુકાના આદિવાસી વિસ્તારના આંતરિક ગામોને તાલુકા જિલ્લા મથક સાથે જોડતા રસ્તા ની સુવિધા પ્રાપ્ત થાય તેમજ શૈક્ષણિક, આરોગ્ય લક્ષી સેવા માટે આ વિસ્તારની પ્રજા માટે ઉપયોગી પુરવાર થાય તે માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રજૂઆત કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ નેટવર્કને વધુ મજબૂત કરવા કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માળખાકીય વિકાસનું ચક્ર વિકસાવ્યું છે જે દેશની સતત પ્રગતિનો પાયો છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ ગણાવ્યાં. આ કરોડો રૂપિયાના કામોને મંજૂર કરીને જિલ્લામાં તેજ પરંપરાને વધુ ઝડપી ગતિએ આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામીણ માર્ગોને સુધારી અને મજબૂત કરીને બારમાસી રોડ સુવિધા, ગ્રામીણ વસ્તીને કનેક્ટિવિટી પ્રદાન કરવાનો અભિગમ અપનાવ્યો છે.વધુમાં આ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.