Panchmahal
આત્મા પ્રોજેક્ટ દ્વારા ઘોઘંબા તાલુકામાં પ્રાકૃતિક ખેતી માટે તાલીમ યોજાઈ
- ઘોઘંબામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ૨૦૦ થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ
પ્રાકૃતિક ખેતીથી જમીન, પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન સાથે જન આરોગ્યની સુખાકારી થાય છે અને ખેડૂતોને ખેતીનો ખર્ચ પણ ઘટે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ ચાલી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ઘોઘંબા તાલુકામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આજે યોજાયેલી આ તાલીમમાં આત્મા પ્રોજેકટના અધિકારીઓ દ્વારા ૨૦૦ થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ઘન જીવામૃત, બીજામૃત તેમજ વિવિધ રોગનાશક અસ્ત્રોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવા ઉપરાંત પ્રાકૃતિક ખેતીનું મહત્વ, ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને ખેતી કેવી રીતે કરવી, તેની વિશેષ સમજણ આપવાનો હતો.
આ તાલીમમાં બાગાયત અધિકારી ચંદન પટેલિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુમાં વધુ નફો મેળવવા તેમજ પર્યાવરણનું જતન કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનો સંતોષકારક જવાબો પણ આપ્યા હતા. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે હાંકલ કરવામાં કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા સંયોજક અજીતભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈને સમૃદ્ધ ખેતી થકી દેશને આગળ વધારવા માટે અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી ખુશીનો માર્ગ ખોલનારી ગણાવી ‘સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ’ ની ભાવનાને સાકાર કરનારી કહી હતી. આ તાલીમમાં ખેડૂતો ઉપરાંત જિલ્લા સહ સંયોજક, તાલુકા સંયોજક, આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.