Gujarat
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના કેટરિંગ તથા ફુડ બિઝનેશ ઓપરેટર્સનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ફુડ બિઝનેશ ઓપરેટરોને ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર બેઠકમાં તંત્રના અધિકારીઓ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, રુલ્સ અને રેગ્યુલેશન હેઠળ કેટરિંગના વ્યવસાય માટે જરુરી લાયસન્સ અને રજિસ્ટ્રેશન મેળવવા માટેની ઓનલાઈન પ્રક્રિયાની સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાદ્યચીજોની ગુણવત્તા જળવાઇ રહે તે માટે લાયસન્સની શરતોનું પાલન કરવા માટેની સુચનાઓ આપવામા આવી હતી. સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં ખાદ્ય-પદાર્થો તૈયાર થાય તથા તેમાં વપરાતો કાચો માલ શુધ્ધ, તાજો અને ઉચ્ચ ગુણવત્તાવાળો જ વપરાય તે માટે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. એફ.બી.ઓને તમામ રેકોર્ડ રાખવાનું તથા ખરીદવામાં આવતાં તમામ ખદ્યચીજો પાકા બિલથી જ ખરીદવા જણાવ્યું હતું.તેમજ આગામી સમયમાં ફુડ સુપરવાઇઝરોને ફુડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન (FoSTaC) અંતર્ગત તાલીમ આપવામાં આવશે તેમ એસ.આર.ભગત,ડેઝીગ્નેટેડ ઓફિસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
ગોધરા-પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.