Vadodara
વડોદરામાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખુલેલા બેંક ખાતામાં પડી રૂ. ૪૩૧ કરોડની થાપણો

દેશના તમામ વર્ગને ઓછા ખર્ચે નાણાકીય સુવિધાઓ પહોચાડવા અને નાણાકીય ઉત્પાદનો તથા સેવાઓ સમયસર પહોંચાડવાના હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૪ માં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં ૭.૪૪ લાખ લોકોના જન ધન બેંક ખાતામાં રૂ. ૪૩૧.૮૨ કરોડ જમા કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ બિન બેન્કિંગ વસ્તીને મૂળભૂત બેન્કિંગ સેવાઓ, નાણાકીય સાક્ષરતા અને નાણાકીય ઉત્પાદનો પ્રદાન કરીને વ્યાપક પ્રમાણમાં નાણાકીય સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. જે અંતર્ગત વડોદરા શહેર -જિલ્લામાં લાખો લોકો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નો લાભ લેતા થાય છે.
વડોદરા જિલ્લાની વાત કરીએ તો આ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ ૭,૪૪,૨૭૦ જન ધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાકીય સેવાઓની વાત કરીએ તો કુલ રૂ.૪૩૧.૮૨ કરોડ રૂપિયા જમા થયા છે. જે પૈકી કુલ જન ધન બેંક ખાતા ના ૮૨.૧ ટકા ખાતાને આધાર કાર્ડ સાથે લિંક પણ કરવામાં આવ્યા છે. તદુપરાંત કુલ ખાતાઓ પૈકી ૫૭,૭૪૫ જેટલા ઝીરો બેલેન્સ એકાઉન્ટ અને ૫,૫૯,૧૪૧ લોકોને રૂ-પે કાર્ડનો લાભ લોકો લઈ રહ્યા છે. બેન્ક ખાતા સહિત નવા જન ધન બેંક ખાતા ધારકોને રૂ. ૨ લાખનું અકસ્માત વીમા કવર અને રૂ. ૩૦,૦૦૦ નું જીવન વીમા કવર ની સુવિધા આપવામાં આવી રહી છે. વધુમાં, પાત્રતા ધરાવતા જન ધન બેંક ખાતા ધારકો માટે રૂ. ૧૦,૦૦૦ ની ઓવરડ્રાફ્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામા આવી છે. જન ધન બેંક ખાતાની વિશેષતા એ પણ છે કે ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
દરેક વ્યક્તિ નાણાકીય વ્યવસ્થાનો લાભ લે અને ભાગ બને તે હેતુથી જન ધન રક્ષક મોબાઈલ એપ્લિકેશન કાર્યરત છે. આ એપ્લિકેશન દ્વારા નાગરિક દેશમાં બેંક શાખાઓ, એટીએમ, બેંક મિત્ર, પોસ્ટ ઓફિસ જેવા બેન્કિંગ ટચ પોઇન્ટ શોધવામાં મદદરૂપ બની રહી છે.
આ યોજનામાં જન કેન્દ્રિત આર્થિક પહેલ થકી આજે પાયાની નાણાકીય સેવાઓ આપવામાં ખુબજ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વાત કોવિડ -૧૯ ની નાણાકીય સહાયની હોય કે પછી પી.એમ. કિસાન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન અન જીવન અને આરોગ્ય વીમા કવચની. આ તમામ પહેલનું પ્રથમ પગલું દરેક પુખ્ત નાગરિકને જન ધન બેંક ખાતુ પ્રદાન કરવાનું છે. જે અન્વયે આજે કરોડો જન ધન બેંક ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર થકી નાણાકીય સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
જનધન યોજના લોકોને તેમની બચતને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવા માટે તથા અન્ય સ્થળે નાણાંના હસ્તાંતરણને સુલભ બનાવી રહ્યું છે.આજે સરકારી નાણાકીય સુવિધાઓના લાભો પણ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. જેના કારણે દરેક રૂપિયો તેના લક્ષિત લાભાર્થી સુધી પહોંચે છે અને પ્રણાલીગત લીકેજને અટકાવવામાં સફળતા મેળવી રહી છે.
આ યોજના, નાણાકીય સમાવેશની ઝુંબેશના ભાગ રૂપે એક જ સપ્તાહમાં સૌથી વધુ બેંક ખાતા ખોલીને કેન્દ્ર સરકારના નાણાકીય સેવા વિભાગ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે બેંક ખાતા વિના ના ને બેંક ખાતુ, અસુરક્ષિત ને સુરક્ષા અને નાણાકીય સુવિધા વગરના ને સુવિધાઓ પૂરી પાડીને દેશના તમામ નાગરિકો નો નાણાકીય સમાવેશ કરવામાં નવા આયામો સર કરવામાં કોઈ કસર નહિ છોડશે નહી
પી.એમ.જે. ડી. વાય. હેઠળ વડોદરામાં ૭.૪૪ લાખ કરતાં વધુ લોકોનો નાણાકીય સમાવેશ થયો
સરકારી નાણાકીય સુવિધાઓના લાભ સુનિશ્ચિત લોકો સુધી પહોચાડવામાં જનધન યોજનાની મહત્વની ભૂમિકા