Gujarat
પંચમહાલ જિલ્લામાં બેંક ઓફ બરોડાએ ૫૦૦થી વધુ ફળદ્રુપ વૃક્ષોનું વાવેતર કર્યૂ
બેંક ઓફ બરોડાના ૧૧૭માં સ્થાપના દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાની તમામ શાખાઓના કર્મચારીઓ દ્વારા હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા શહેરના પ્રાદેશિક વડા કૌશલ કિશોર પાંડે અને નાયબ પ્રાદેશિક વડા દીપક સિંહ રાવતની આગેવાની હેઠળ તમામ સ્ટાફ સભ્યોએ BOB ગ્રીન ઝુંબેશ અંતર્ગત “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” થીમ પર વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરા સહિત અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું હતું.આ ઉપરાંત સરકારી દત્તક સંસ્થાઓમાં બાળકો માટે પથારી અને પૌષ્ટિક આહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ ૪૫ શાખાઓ દ્વારા વિવિધ સ્થળોએ ૫૦૦થી વધુ ફળદ્રુપ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ વિવિધ શાળાઓમાં પુસ્તકો અને અન્ય અભ્યાસ સામગ્રીનું,આરોગ્ય માટે દવાઓ અને મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગોધરા શહેર ખાતે ૮૫૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.
બેંક ઓફ બરોડા તેની સામુદાયિક જવાબદારીઓ નિભાવતી વખતે વ્યવસાયને સંતુલિત કરવા અને સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાનું લીડ બેંકના મેનેજર એક અખબારી યાદીમાં જણાવ્યું છે.