Gujarat

વડોદરા જિલ્લામાં કાળ સમા ૨૩ સ્થળોએ ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ

Published

on

કલેક્ટરશ્રી બીજલ શાહે જોખમી સ્થળોની ઓળખ કરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
જિલ્લા કલેક્ટર બીજલ શાહે વડોદરા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૨૩ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં કલેક્ટરએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


જોખમી સ્થળોની તાલુકાવાર અને ગામવાર યાદી જોઈએ તો, વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. ડભોઈ તાલુકામાં કુલ સાત સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાં નર્મદા મેઈન કેનાલ (તેનતલાવ), નર્મદા માઈનોર કેનાલ (કુંઢેલા), અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી (વડદલી અને ભાલોદરા ગામ), અંગુઠણ નારીયા રોડ પાસે આવેલા કૂવાની સામે આવેલો સરકારી કાંસનો ઊંડો ખાડાનો સમાવેશ થાય છે. વડોદરા ગ્રામ્ય તાલુકામાં કુલ ચાર સ્થળોને જોખમી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચેક ડેમ, સિંધ રોટ, મહીસાગર નદીના પાણીમાં (સિંધ રોટ), મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ), ફાજલપુર બ્રિજ, મહી નદી (સાંકરદા ગામ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે પાદરા તાલુકાના કુલ ત્રણ જોખમી સ્થળ/વિસ્તારમાં મુજપર બ્રિજ, મહી નદી (મુજપુર), અંબાજી માતા તળાવ (પાદરા ગામ), મહીસાગર નદી તટ (ડબકા)નો સમાવેશ થાય છે. આ સિવાય શિનોર તાલુકામાં દિવેર ગામે મઢીએ (દિવેર); સાવલી તાલુકાના લાંછનપુર અને કનોડા મહીસાગર નદીનો પટ્ટ (પોઈચા (ક)) તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ, નર્મદા નદી (લીલોડ અને સાયર ગામ)ને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. ૦૩/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Trending

Exit mobile version