Ahmedabad

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં મોહિની એકાદશીએ ચંદનના મનોરમ્ય કલાત્મક શણગાર

Published

on

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તેમજ કડીમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને વૈશાખ સુદ એકાદશી – મોહિની એકાદશીએ ચંદનના મનોરમ્ય કલાત્મક શણગાર …….

સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. તમામ એકાદશીઓમાં મોહિની એકાદશી સૌથી વધુ ફળદાયી માનવામાં છે. મોહિની એકાદશીનું વ્રત કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. મોહિની એકાદશીના દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી વ્યક્તિને સમૃદ્ધિ, કીર્તિ અને કીર્તિની સાથે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.આ અગિયારસના ઉપવાસથી મોહનુ બંધન નાશ પામે છે તેથી તેને મોહિની એકાદશી કહેવાય છે. ભાવનાઓ અને મોહથી મુક્તિની ઈચ્છા રાખવા માટે પણ વૈશાખ મહિનાની એકાદશીનુ વિશેષ મહત્વ છે. મોહિની એકાદશી કરવાથી વ્યક્તિની ચિંતાઓ અને મોહમાયાનો પ્રભાવ ઓછો થાય છે અને ઈશ્વરની કૃપાનો અનુભવ થવા માંડે છે તથા પાપનો પ્રભાવ ઓછો થાય છે અને મન શુદ્ધ થાય છે.

Advertisement

પૌરાણિક કથાઓ મુજબ મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃત કળશને અસૂરોથી બચાવવા મટે મોહિની અવતાર ધારણ કર્યો હતો. તેથી તેને મોહિની એકાદશી કહે છે. ધાર્મિક માન્યતા મુજબ મોહિની એકાદશીનુ વ્રત કરનાર વ્યક્તિને મોહના બંધનથી દૂર થવા અને મોક્ષ મેળવવામાં મદદ કરે છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કથાનો પાઠ કે શ્રવણ કરવાથી એક હજાર ગાયોના દાન બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીમુખવાણી વચનામૃતમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને જણાવ્યું છે કે, આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે, ત્યારે રૂપીયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે.

Advertisement

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ, મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન છે. તેમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને મોહિની એકાદશીના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક-શીતળતા પ્રાપ્ત તદર્થે સંતો-ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાઘા – શણગાર અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતીક છે.તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદ્ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ એકાદશી – મોહિની એકાદશીએ ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. જેનાં દર્શન કરી સંતો-ભક્તો, ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં અંતરીક શીતળતા અનુભવે છે.

Advertisement

ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં.

તદ્ઉપરાંત આ પાવનકારી દિવસોમાં મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજને ગરમીમાં કુદરતી ઠંડક મળી રહે તેવા હેતુથી જૂઈ, ડોલર, મોગરા તેમજ ગુલાબ સહિતના ફૂલોનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભકિતભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી વિશિષ્ટ ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.

Advertisement

આ દિવ્ય પાવનકારી અવસરનો લાભ દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.

 

Advertisement

Trending

Exit mobile version